બર્મિંગહામઃ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની જન્મજયંતી ગુરુપર્વ નિમિત્તે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તમામ સ્તરે ઐતિહાસિક બલિદાનો અને યુકેમાં સતત પ્રદાન આપતી શીખ કોમ્યુનિટીને બિરદાવી હતી. ગત મંગળવાર સાત નવેમ્બરે શીખ્સ ફોર લેબર આયોજિત કાર્યક્રમમાં તેમણે ગુરુ નાનકને ગરીબોના બેલી કહ્યા હતા. સંસ્થાની અધ્યક્ષા અને વેસ્ટ મિડલેન્ડ્સ માટે MEP નીના ગિલ CBEએ આમંત્રિતોને ગુરુ નાનકના ‘સહિષ્ણુતા અને સમજ’ સહિત મૂલ્યો અને નીતિની યાદ અપાવી હતી. તેમણે લેબર પાર્ટીના સ્લોગન ‘ફોર ધ મેની, નોટ ધ ફ્યુ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોર્બીને પેરેડાઈઝ પેપર્સ કૌભાંડ વિશે બોલવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે અમૃતસરના ૧૯૮૪ના હત્યાકાંડ વિશે જણાવ્યું હતું કે, ‘ભૂતકાળને ઢાંકી દેવાથી ભવિષ્યમાં શાંતિ લાવવામાં મદદ મળતી નથી.’ તેમણે આ ઘટનામાં યુકેની સંડોવણી વિશે નવેસરથી સ્વતંત્ર અને સંપૂર્ણ તપાસ કરાવવાની માગણી કરી હતી. તેમણે પાર્લામેન્ટના ગૃહોમાં શીખોનું પ્રતિનિધિત્વ વધે તે માટે શક્ય પ્રયાસો કરવાની બાંયધરી પણ આપી હતી.
વક્તાઓમાં સાંસદો તનમનજીત ધેસી, સેન્ડી માર્ટિન અને મોહમ્મદ યાસીન પણ હતા. આમંત્રિત મહેમાનોમાં કોર્બીનના પત્ની લૌરા અલ્વારેઝ, ટેલફોર્ડ એન્ડ રેકિન કાઉન્સિલના પૂર્વ નેતા કાઉન્સિલર કુલદિપસિંહ સાહોતા, ગુરિન્દરસિંહ જોસાન, લંડન એસેમ્બલી મેમ્બર ડો. ઓંકાર સાહોતા અને વુલ્વરહેમ્પ્ટનના રાજિન્દર કાલોયાનો સમાવેશ થયો હતો.