લંડનઃ ગ્રીનફર્ડમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરના નવા મકાનના બાંધકામનો ગત ૯ જુલાઈએ રવિવારને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ૪૦૦થી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં ફાઉન્ડેશન સ્ટોન લેઈંગ સેરિમની સાથે મંગળ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્ટીફન પાઉન્ડ MP, ઈલિંગના મેયર કાઉન્સિલર સાયમન વુડરુફ, ઈલિંગના કાઉન્સિલરો હિતેશ ટેલર, ડો. આયશા રઝા, તારીક મોહમ્મદ, હેરોના કાઉન્સિલર નીતિન પારેખ સહિત કોમ્યુનિટીના મહાનુભાવો અને ભાવિકો ઉપસ્થિ ત રહ્યા હતા.
પૂજારી પલ્કેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ધામેચા પરિવાર, જલારામ મંદિર, ગ્રીનફર્ડના જોઈન્ટ પ્રેસિડેન્ટ્સ-ટ્રસ્ટીઓ, કાઉન્સિલર રજનીભાઈ સી ખીરોયા, રશ્મિભાઈ ચટવાની અને વાસ્ક્રોફ્ટ કોન્ટ્કાક્ટર્સના શશીભાઈ અને મીતેશભાઈ વેકરિયાએ ખાસ પૂજાવિધિ કરી હતી.
સ્ટીફન પાઉન્ડ MPએ જણાવ્યું હતું કે આ માત્ર મંદિર જ નથી તેનાથી પણ વિશેષ છે. તે આશા, આસ્થા અને શાલીનતાનો ચમકતો પ્રકાશ છે. પ્રદીપભાઈ ધામેચાએ જણાવ્યું હતું કે મંદિરના સંચાલનમાં ઘણાં લોકો મહત્ત્વની કામગીરી કરતા હોય છે અને આ બધો યશ તેમને ફાળે જાય છે.
શ્રી ચટવાનીએ મંદિર બાંધકામમાં સ્ટીફન પાઉન્ડ MP તથા ઈલિંગના કાઉન્સિલરો તરફથી અભૂતપૂર્વ સહકાર મળ્યો હોવાની વાત કરીને તેમણે મદદ બદલ તમામ દાતાઓનો આભાર માન્યો હતો. શ્રી ખીરોયાએ જણાવ્યું હતું કે ૬,૦૦૦ ફૂટના કીચન અને ડાઈનિંગ હોલ સહિતનું આ કોમ્યુનિટી સેન્ટર બનશે અને ક્લાસરૂમ, લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, મેડિટેશન રૂમ, મીડિયા અને બ્રોડકાસ્ટ રૂમ, મીટીંગ રૂમ તથા અન્ય સુવિધાઓ સાથે ૬,૦૦૦ ફૂટનું મંદિર નિર્માણ પામશે.