જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે માતૃ દિને માતૃ વંદના કરી ભવોભવનું ભાથુ બાંધીએ. રવિવાર તા. ૧૧મી માર્ચના રોજ આપ સૌને મધર્સ ડે પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દીક શુભકામનાઅો.
"ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" માત્ર સમાચાર પત્રો જ નથી આ અખબારો આપણા ધર્મ, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય અને કલાના સંવર્ધન માટે પણ કટીબધ્ધ છે. આજે સમય આવ્યો છે જેણે આપણને જન્મ આપ્યો છે તે જનેતાને વંદન કરવાનો અને તેને હેતથી ભેટીને વ્હાલ કરવાનો અને તેની અમી ભરેલી નજરોને નિહાળવાનો. ફેસબુક, વોટ્સએપ જેવા સોશ્યલ મિડીયા માટે કલાક બગાડવાને બદલે જનેતાને રુબરૂ મળીને કે તેમની સાથે બે ઘડી ફોન પર વાત પણ કરીશું તો જે સંતોષ મળશે તે અવર્ણનીય છે.
ગત વર્ષે અમે મધર્સ ડે પ્રસંગે એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, અહેવાલ, જનેતાની હ્રદયદ્રાવક વાતો અને નોંધપાત્ર પ્રદાન કરનાર જનેતાઅો વિશે મનનીય લેખો ધરાવતો વિશેષાંક 'માતૃ વંદના' વિશેષાંક પ્રસ્તુત કર્યો હતો. "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા મધર્સ ડે પ્રસંગે જનેતાને ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા ભારતના વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપના 'માતૃ વંદના' કાર્યક્રમોનું આયોજન ભારતીય વિદ્યાભવન લંડન, આશિયાના પ્રેઝન્ટ્સ (રોહિતભાઇ યુુ. પટેલ) દ્વારા બાર્કિંગ, શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા બર્મિંગહામ, શ્રી વસંત ભક્તા દ્વારા લેસ્ટર અને ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા પ્રેસ્ટન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોને માણીને અને વિશેષાંકોને વાંચીને સમગ્ર બ્રિટન માતૃપ્રેમથી છલકાઇ ગયું હતું. કેટલાક અનિવાર્ય કારણોસર આ વર્ષે અમે આ કાર્યક્રમો તેમજ વિશેષાંક પ્રસિધ્ધ કરી શક્યા નથી તે બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જ આગામી તા. ૧૭ જૂન રવિવારના રોજ પિતૃદિનને હેતપૂર્વક વધાવી લેવા અમે આતુર છીએ. આપ સૌને તે વિષે આપના મનનીય મંતવ્યો જણાવવા અને સહયોગ આપવા સ્નેહસભર નિમંત્રણ છે.