કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે એવા ઉમદા હેતુ સાથે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ૧૯મી નવેમ્બરથી શ્રીમદ્ ભાગવત પર આધારિત “ભિક્ષુગીતા” પર ઑનલાઇન જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. મનુષ્યજીવનનું ઉચ્ચ લક્ષ્ય શું છે, તેને કઈ રીતે પામી શકાય અને જીવનમાં અનેક ચડતીપડતી વખતે પણ મનને શાંત કઈ રીતે રાખી શકાય તે વિશે ભગવાન શ્રીકૃષ્ણે પોતે પોતાના પરમ મિત્ર અને ભક્ત ઉધ્ધવજીને ઉપદેશ આપ્યો હતો તે ભિક્ષુગીતા તરીકે પ્રસિદ્ધ છે. ત્રીજી ડિસેમ્બર સુધી ચાલનારા આ જ્ઞાનયજ્ઞનું ચિન્મય મિશન અમદાવાદ યુ-ટ્યૂબ ચેનલ https://bit.ly/33fOEiQ પરથી દરરરોજ સાંજે ૬.૩૦થી ૭.૩૦ વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ જ્ઞાનયજ્ઞના વક્તા સ્વામી અવ્યયાનંદજી છે અને તેમના દ્વારા ગુજરાતી ભાષામાં અત્યંત રોચક શૈલીમાં અપાતું વક્તવ્ય દેશવિદેશમાં ગુજરાતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘેરબેઠા સાંભળે છે. સામાન્ય માણસ પણ જ્ઞાનના માર્ગે ચાલીને પરમ તત્ત્વને પામી શકે છે એવો સંદેશ ભગવાને આ ગીતા દ્વારા આપ્યો છે. વિશ્વભરમાં ૩૫૦ જેટલાં કેન્દ્રો દ્વારા સમાજની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉન્નતિ માટે કાર્યરત ચિન્મય મિશન દ્વારા કોરોનાની મહામારીના કપરા સમયમાં ટેક્નોલોજીના માધ્યમ દ્વારા અનેક જ્ઞાનયજ્ઞો કરવામાં આવ્યા છે, જેને લોકોનો સુંદર પ્રતિસાદ મળ્યો છે. સમાજમાં ફેલાયેલા નકારાત્મક વિચારોને સાચી દિશા મળે અને સમાજમાં પોઝિટિવિટી વધે તેવા ઉદ્દેશથી ચિન્મય મિશન અમદાવાદ દ્વારા આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.