ચિન્મય મિશન-અમદાવાદના પરમધામ ખાતે ૨૧ થી ૨૭ માર્ચ સુધી અનોખો સત્સંગ યોજાયો છે જેનો વિષય છે “સંતહૃદય”. આ સત્સંગનાં વક્તા બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યજી છે જેઓ સંસ્થાની અમદાવાદ કેન્દ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન કરી રહ્યાં છે. સાત દિવસ માટે યોજાનારા આ સત્સંગનો સમય સાંજે ૬.૪૫થી ૭.૩૦ વાગ્યા સુધીનો છે. ભારતને અધ્યાત્મજ્ઞાનની જનની ગણવામાં આવે છે અને સંતો-સિદ્ધોની ભૂમિ તરીકે વિખ્યાત છે. દેશ અને દુનિયા કોરોના મહામારી સામે એક વર્ષ પછી પણ ઝઝૂમી રહ્યા છે ત્યારે સંતોનાં જીવનચરિત્રોમાંથી લોકોને પ્રેરણા મળે અને અર્થસભર જીવનની દિશા મળે તે હેતુથી આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંતોના જીવનમાં પણ અપાર મુશ્કેલી આવી અને તેઓ તેમાંથી કઈ રીતે બહાર આવ્યા તે વિશે સુંદર દૃષ્ટાંતો દ્વારા લોકોને આ કોરોનાકાળમાં પોતાનું જીવન સુખી કઈ રીતે બનાવી શકાય તે જણાવવાનું આ સત્સંગનું પ્રયોજન છે. cmahmedabad ફેસબુક પેજ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.