મા શબ્દમાં એક એવો જાદુ છે જે બોલતા જ મોં ભરાઇ જાય અને જીવનનું સર્વ સુખ જેની બાહોંમાં મળે. વાત્સલ્યની સરિતા સમી મા જ્યારે આપણા જીવનમાંથી ચિર વિદાય લે ત્યારે સ્વાભાવિક રીતે જ આઘાત લાગે. મા નાની ઉમરમાં વિદાય લે કે મોટી ઉમરમાં..! મા એ મા ….એટલે એની વિદાય વસમી બની રહેવાની જ. જન્મ સાથે જ મૃત્યુ પણ લખાયેલું જ છે. એ વણલખ્યો નિયમ કોઇ ઉલ્લંઘી શક્યું નથી.! જીવન કેટલું નહિ પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. જીવનમાં મૃત્યુને મીઠી યાદોંના સહારે ગુણાનુવાદ દ્વારા મહોત્સવ બનાવવાની કળા શીખવાની ખૂબ જરૂર છે.
શુક્રવાર તા. ૨૩-૩-૨૦૧૮ની સવારે નવનાત વણિક સમાજના પીઠબળ સમા મહેતા પરિવારના મોભી શ્રી યોગેશભાઇ મહેતાના માતુશ્રી તારાબહેને ૮૩ વર્ષની વયે લીલી વાડી મૂકી દેહ ત્યાગ કરી અરિહંત ભગવાનનું શરણું સ્વીકાર્યું એ સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા. મને આ સમાચાર અમારા તંત્રીશ્રી સી.બી. પટેલે આપ્યા અને જણાવ્યું કે એમની તા.૨૫ માર્ચ રવિવારની સાંજે પ્રાર્થના સભા નવનાત હોલમાં યોજાઇ છે જેમાં મારી જવાની ખૂબ ઇચ્છા છે પણ મારી અસ્વસ્થ તબિયતને કારણે જઇ શકતો નથી તો મારા તરફથી ખાસ આશ્વાસન સંદેશો પાઠવજો. મને તારાબેન માટે ખૂબ માન છે. એમના માટે આપણે ભાવાંજલિ આપતો સરસ લેખ આપણા ગુજરાત સમાચારમાં મૂકવો જોઇએ. અને મેં એમના આદેશને માન આપી કલમ ઉપાડી...
મુ. તારાબેનની પ્રાર્થના સભામાં નવનાત હોલ હજારેકથી વધુની માનવમેદનીથી ઉભરાઇ ગયો હતો.. એમની લોકપ્રિયતા અને કાર્યોનો આ બોલતો પુરાવો કહી શકાય. "મા તૂ કિતની અચ્છી હૈ…, આંખ મારી ઉઘડે તો…, ભૂલો બીજુ બધું, મા-બાપને ભૂલશો નહિ….જેવા ગીતો અને જૈન સ્તવનો વગેરેની જમાવટ જાણીતા ગાયિકા મિતલ પટેલે એમના સુમધુર કંઠે, વાજીંત્રોના સૂરો સંગ સંગત કરી વાતાવરણ સુગંધિત કરી દીધું. મુ. તારાબેનની ચિર વિદાયની ગમગીની સાથે જ એમના સ્વભાવની વિશેષતા વધુ પ્રેરક બની રહી. નવનાત ભવનનો મુખ્ય હોલ તારાબેન ભોગીલાલના નામે અંકિત થયો હોવાથી એ અમર બની ગયા છે. અને આમેય મા કદી મરતી નથી. સ્મૃતિઓમાં એ સદાય જીવંત રહે છે.
તારાબેનના મોટા સુપુત્ર શ્રી યોગેશભાઇએ પોતાની માતુશ્રીની વિદાય દુ:ખદ હોવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક ખોટ સમાન છે, એમ જણાવ્યું. વધુમાં ઉમેર્યું કે, સમાજના મોભીઓ સમા વડિલો એક પછી એક જવાથી જાણે કે એક યુગ અસ્ત થઇ રહ્યો હોય એમ લાગે છે. સમાજને વડિલોની ખોટ ખૂબ સાલશે.
અમારા પ્રેરણા દાયી માતુશ્રી સમાજમાં સક્રિય હોવા ઉપરાંત કૌટુંબિક સંબંધોની જાળવણી તેમજ આર્થિક પ્રગતિમાં એમનો ફાળો અવર્ણનિય રહ્યો છે. એમનું જીવન એકંદરે ખુબ સુખ-શાંતિમાં વીત્યું. અમે સદ્નસીબ છીએ કે અમારા એ જનની છે અને ભવોભવ અમને એ મા સ્વરૂપે મળે.
સભા દરમિયાન તારાબેનના નાના ભાઇ કીર્તિકુમાર શાહે મોટી બહેનને ભવ્ય શ્રધ્ધાંજલિ અર્પી.
એમણે જણાવ્યું કે, ચાર ભાઇઓ અને નવ બહેનોના વિશાળ કુટુંબમાં અમારા મોટાબહેન ખૂબ ભાગ્યશાળી હતાં.
જીવનના અંતિમ સમયના છેલ્લા ત્રણ દિવસ હોસ્પીટલમાં હતા દરમિયાનમાં એમનો ત્રણ દિકરા, પુત્રવધૂઓ, જમાઇ, પૌત્ર-પૌત્રીઓ સહિતનો વિશાળ પરિવાર સતત એમની આસપાસ રહ્યો. દિકરાઓએ એમની સારસંભાળ ખુબ સરસ રીતે કરી. પરિવારના સાંન્નિધ્યમાં સૌનો પ્રેમ મેળવી નિશ્ચિંત બની દેહત્યાગ કર્યો ત્યારે એમના ચહેરા પર સંતોષની લકીર એજ એમની મોંઘેરી મૂડી હતી! એમના જીવનની જેમ મોત પણ મહેંકતું બની ગયું. એમની ૮૦મી બર્થડે ખુબ સરસ રીતે ઉજવી હતી અને સૌને એમણે લાડ લડાવ્યા જે અમારા માટે એક સંભારણું બની ગયું. સ્નેહ, સમતા-મમતા અને લાગણીના સૂત્રે સૌને સાંકળી રાખ્યા હતા એ એમના સ્વભાવની લાક્ષણિકતા હતી. પરિવારના દરેક પ્રસંગોને આગેવાની લઇ દીપાવ્યા એ એમનું કૌશલ્ય કુટુંબ માટે પ્રેરણાદાયી બની રહેશે. એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. મિલનસાર સ્વભાવ અને સૌ પ્રત્યે સહાનુભૂતિ એમના ગુણો હતાં. એમના બહેન શકુબેન એમની વધુ નજીક હતાં અને સમાજમાં પણ કીચન કમિટીના વડા અને સક્રિય હોવાના કારણે બે બહેનો વચ્ચેની કેમેસ્ટ્રી જામતી. મારે પણ એમની સાથે વ્યક્તિગત પરિચય એથી જ્યારે મળે ત્યારે ખુબ પ્રેમ પૂર્વક વાત કરે. ક્યારેય કોઇ મોટાઇ નહિ.
કંપાલા, આફ્રિકામાં તા.૩૦-૮-૧૯૩૫માં ધર્મપ્રેમી પરિવાર શ્રી પોપટલાલ મીઠાલાલ શાહને ત્યાં જન્મ અને ૧૭ વર્ષની નાની વયે શ્રી ભોગીલાલ મહેતા સાથે તા.૧૪-૫-૧૯૫૨માં લગ્નગ્રંથીથી જોડાયાં. પતિ સાથે ખભે ખભા મિલાવી સખત પરિશ્રમથી પોતાની કુટુંબની ફુલવાડી ખીલવી. એમની સફળતાનો પ્રારંભ મોટા દિકરા શ્રી યોગેશના પગલે થયો. અને એના પગલે પગલે હિતેશ, દિલેશ અને હસમુખી દિકરી કિશોરીના જીવનમાં ય સુખનો સૂરજ ઉગ્યો. કુટુંબની પ્રગતિમાં મા નું અનુદાન અનન્ય હોય છે. તારાબેનને દુ:ખ હોય તો યુવાનવયની એકની એક લાડકી દિકરી કિશોરીબેનનું અને પતિશ્રી ભોગીલાલભાઇનું અવસાન. જો કે આ દુ:ખના સમયમાં પણ હિમત રાખી પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી.
યોગેશભાઇએ એમના રીલોકેશનના બીઝનેસ "ટીમ ગૃપ"ને આંતરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા સહિત અન્ય બીઝનેસીસમાં અપ્રતિમ સફળતા મેળવી છે. એ સાથે જ સમાજનું ઋણ ચૂકવવામાં અગ્રેસર રહ્યા છે. એક સારા સખાવતી તરીકે વિવિધ ચેરિટીઓમાં પણ અંદાજે પાંચેક લાખ પાઉન્ડનું દાન કરી લક્ષ્મીનો સદુપયોગ કરવાનું પણ ભૂલ્યા નથી! એમણે હાલના વિશાળ નવનાત ભવન હોલના સર્જનમાં આગેવાની લઇ ૨૬૫,૩૦૩ પાઉન્ડનો આર્થીક ફાળો આપવાના કારણે આજે હોલ પ્રવૃત્તિઓથી ધમધમતો થયો છે. સમાજ માટે એ આશીર્વાદરૂપ છે. એ વેળાના નવનાતના સુવેનીયરની તંત્રી હોવાના નાતે અમારે એકબીજાના સંપર્કમાં આવવાનું થતા એમના સરળ અને મિલનસાર સ્વભાવનો પરિચયને કારણે મને એમના માટે માન છે.
પરિવારમાં માતૃ શક્તિનું પ્રદાન કુટુંબના વિકાસ અને પ્રગતિમાં હરહંમેશ મહત્વનું રહે છે. આજે આ આદરણીય મા ને નતમસ્તક વંદન કરી એમના જીવનમાંથી પ્રેરણા લઇ આપણા જીવનને પણ અમરતા બક્ષવાની દિશામાં આગેકૂચ કરીએ એવી અપેક્ષા સહ વિરમુ છું.