નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સના ચેરમેન, સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના પ્રેસિડેન્ટ, લોહાણા મહાજન ટ્રસ્ટ યુકેના સલાહકાર અને અન્ય સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર વર્ષો સુધી સેવા આપનાર જાણીતા સામાજીક અગ્રણી શ્રી ચંદ્રકાન્ત જીવરાજ રાભેરૂ (સીજે)નું આજે બપોરે જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે દુ:ખદ નિધન થયું હતું. સદ્ગત પોતાની પાછળ પત્ની ભારતીબેન, પુત્ર અમિત અને પુત્રી શીતલ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
શ્રી રાભેરૂને રવિવારે મળસ્કે નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાંથી તેમને ડિસ્ચાર્જ અપાયા બાદ આજે મંગળવારે બપોરે તેઅો જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે ગયા હતા. જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. મંદિરના પુજારીઅો અને અન્ય દર્શનાર્થીઅોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ પોણા કલાક જેટલી જહેમત બાદ પણ શ્રી રાભેરૂને બચાવી શકાયા નહોતા. બનાવની જાણ થતાં જ મંદિરના અન્ય ટ્રસ્ટીઅો અને તેમના પરિવારજનો મંદિર ખાતે દોડી ગયા હતા.
શ્રી રાભેરૂ મૂળ ટાન્ઝાનીયાના મોરોગોરોના વતની હતા અને ઘણાં વર્ષો પહેલા અત્રે અભ્યાસ અર્થે આવ્યા હતા અને પછી સ્થાયી થયા હતા. શરૂમાં ઇન્સ્યુરંશ અને અન્ય વેપાર બાદ હાલમાં તેઅો જેમ ગ્લોબલ વેન્ચર લી.ના નામથી ઘાના અને સીયેરા લિયોન ખાતે માઇનીંગ અોપરેશન – ગોલ્ડ, આયર્ન અોર, બક્ષાઇટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો તેમજ જેમ અોઇલ લિ.ના નામથી ક્રુડ અને રીફાઇન્ડ અોઇલનો બિઝનેસ કરતા હતા.