જેણે પાપ નથી કર્યું તે પહેલો પથ્થર ફેંકે: પ્રભુ ઇસુ

- ક્રિષ્ટોફર બેન્જામીન, પ્રેસબિટેરીયન ચર્ચ, વેમ્બલી, લંડન. Tuesday 12th December 2017 13:24 EST
 
 

ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધો બાંધવાનો અને સતકાર્યોમાં સામેલ થવાનો આ સમય છે.

માનવજાતને હેતુસરનું જીવન જીવવાની તક આપવા સારૂ પરમેશ્વર માનવ બનીને માનવજીવનમાં સામેલ થયા અને સેવકનું રૂપ ધારણ કર્યું. સામાજીક હકારાત્મક પરિવર્તન (Positive change) લાવવા માટે પરમેશ્વર જાતે માનવ બન્યા. આ પ્રકારનું પરિવર્તન એટલ કે નવા ખ્યાલ, નવા વિચાર અને નવા વ્યવહારની શરૂઆત પ્રભુ યીશુના આગમનથી થઈ. આંખને બદલે આંખ અને દાંતના બદલે દાંત એટલે વેર વાળવાનો જે નિયમ હતો. તેને પ્રભુ યીશુએ બદલી નાખ્યો. વેર વાળવાને બદલે ક્ષમા આપવાનં શીખવ્યું. શિષ્યોના પગ ધોઈને સેવાનો પાઠ શીખવ્યો. દુશ્મનને સાત વાર નહિ પણ સેંકડો વાર ક્ષમા આપવાનો આદેશ આપનાર પ્રભુએ મૃત્યુ સમયે માફીનો મહામૂલો મંત્ર જીવી બતાવ્યો. પ્રભુ યીશુના માતા પિતા ઇઝરાયેલ દેશનાં પ્રખ્યાત રાજા દાઉદનાં વંશજ હતાં. આ કુટુંબનો ઉપયોગ દૈવી બાળકનાં જીવનનો હેતુ અને મિશન પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો. મધર મેરીના માનભર્યા નામથી જાણીતાં પ્રભુ યીશુના માતાને ખ્રિસ્તી ધર્મના કેટલાક પંથ જેવા કે, રોમન કેથોલિક ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ અને એંગ્લીકન ચર્ચમાં માનભર્યુ સ્થાન આપવામાં આવ્યું છે. મધર મેરીને થીઓટોક્સ કહેવામાં આવે છે. થીઓટોકોસ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે, દેવની જનેતા (મધર ઓફ ગોડ), અથવા દેવધારક, (ગોડ બેરર).

પ્રભુ યીશુના શિષ્યોએ પ્રભુ યીશુને પ્રશ્ન કર્યો કે, સ્વર્ગના રાજ્ય માટે સૌથી યોગ્ય કોણ છે?

પ્રભુએ એકબાળકને પાસે બોલાવીને કહ્યું, જો તમે બાળકના જેવા નહિ બનો તો તમે સ્વર્ગના રાજ્યને યોગ્ય નથી.

બાળક જેવા બનવા માટે આપણને પ્રભુનો આદેશ છે. આપણે બાળક જેવા સાલસ, નિખાલસ, દંભરહિત, નિર્દોષ બનવાનું છે. જ્ઞાનમાં અને ધનમાં થતો વધારો ઘણીવાર અહંકારમાં પણ વધારો કરે છે. પરંતુ બાળકમાં આ અહંકાર જોવા મળતો નથી. આથી સ્વર્ગના હકદાર બનવા આપણે બાળકો સમાન બનવું પડશે.

જેણે પાપ નથી કર્યું તે પહેલો પથ્થર ફેંકે

પવિત્રશાસ્ત્ર બાઈબલમાં એક અસરકારક પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. સંત યોહાન આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવે છે.

દિવસની શરૂઆતે પ્રભુ યીશુ મંદિરમાં ઉપદેશ આપતા હતા ત્યારે ધર્મગુરૂઓ અનીતિમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે. તેઓ પ્રભુ યીશુને કહે છે, કે આ સ્ત્રી અનીતિમાં પકડાઈ છે. નિયમશાસ્ત્ર પ્રમાણે આ સ્ત્રીને પથ્થરો મારવામાં આવે. તો તમે આ સંબંધે શું કહો છો? પ્રભુ યીશુએ તેનો ઉત્તર જમીન પર લખ્યો. ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે આ બહેન પર પ્રથમ પથ્થર નાખે’. આ સાંભળી સહુ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રભુ યીશુએ તે સ્ત્રીને પૂછ્યું, બહેન શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? સ્ત્રીએ ઉત્તર આપ્યો, ના પ્રભુ કોઈએ નહિ. પ્રભુ યીશુએ કહ્યુંઃ ‘હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા હવેથી નવા જીવનની શરૂઆત કર.’

ધર્માધિકારીઓ ઇચ્છતા હતા કે, આ પ્રસંગથી તેઓ પ્રભુ યીશુની વિરુદ્ધ જરૂરથી કંઈક બહાનું મેળવી શકશે. આવા કૃત્ય માટેની શિક્ષા ધર્મના નિયમો અનુસાર નિશ્ચિત હતી. ધર્મગુરુઓ આ સ્ત્રીને પથ્થર મારવા તૈયાર હતા. જે નિયમ અનુસાર હતું. સ્ત્રી જાણતી હતી કે ન્યાયી પ્રભુ પણ આ શિક્ષા માટે જરૂરથી સંમતિ આપશે. પરંતુ ત્યાં જ આખી પરીસ્થિતિમાં અજબ પલટો આવ્યો. ન્યાયી નિષ્કલંક પ્રભુએ કહ્યું, ‘તમારામાં માનવી સહજ નિર્બળતા એ છે કે આપણે આપણી જાત તરફ જોવાનું વિસરી જઈએ છીએ. આ માનવી સહજ નિર્બળતા પર વિજય એટલે સાચા માનવનો જન્મ. એકાંતના આયનામાં આપણે આપણી જાતને તપાસવી જરૂર હોય છે.

વર્ષના અંત ભાગમાં આપણને વિતેલા વર્ષ વિશે વિચાર આવે છે. પ્રભુની કૃપાથી આપણે જીવનની આટલી મજલ કાપી શક્યા છીએ. નવા વર્ષ માટે પણ આપણી એ જ શ્રદ્ધા છે. મીની હાસકિન્સના વાક્યને નવા વર્ષમાં પ્રવેશ કરતાં યાદ કરીએ.

વર્ષના દ્વારે ઊભેલા દ્વારપાળને મેં કહ્યું, ‘મને એક મશાલ આપ કે અજાણ ભાવિમાં હું સલામત સફર કરી શકું.’

દ્વારપાળે ઉત્તર આપ્યો, ભાવિના અંધકારમાં ચાલ્યો જા અને તારો હાથ પરમેશ્વરના હાથમાં મૂક. તે જાણીતા માર્ગ અને મશાલ કરતા વધારે સારુ અને સલામત હશે.’

‘ગુજરાત સમાચાર’ના સૌ વાંચક મિત્રોને ક્રિસમસની શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter