જૈન સમાજ અોફ માંચેસ્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અને પ્રદર્શન અરહત ટચનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ વિવધ ધર્મોના અગ્રણીઅોના મિલન, શ્રીમદ રાજચંદ્ર અરહત ટચના બાળકો દ્વારા પ્રાર્થના અને શાંતિના મહત્વના પ્રસાર, જૈન અને અન્ય ધર્મોના મહત્વ, જૈનીઝમ અને હિંદુઇઝમ વિષે પ્રદર્શન, પીસમાલા એક્રેડીશન કાર્યક્રમ અંગે જાગૃતિ આણવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે જૈન સમાજ માંચેસ્ટરના પ્રમુખ પિયુષભાઇ મેહતાએ સ્વાગત કર્યું હતું અને માંચેસ્ટર સીટી કાઉન્સિલના કાઉન્સિલર આબીદ ચૌહાણ અને ઉપસ્થિત અગ્રણીઅોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. શ્રીમદ રાજચંદ્ર અરહત ટચના બાળકોએ વિવિધ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા હતા અને નૃત્ય ગીત સંગીત દ્વારા શાંતિ અને અહિંસાનો સંદેશ રજૂ કર્યો હતો. વિવિધ ધર્મ સંપ્રદાયની સંસ્થાઅોના અગ્રણીઅોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
સંસ્થાના ખજાનચી સુરેશભાઇ મેહતાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સૌએ સર્વધર્મ પ્રદર્શન તેમજ જૈન અલ્પાહારનો લાભ લીધો હતો.