યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ 'નેતાજી' પછી હવે બીજા 'ગપ્પીદાસ'ના કહેવાતા વ્યભીચાર અને અનૈતિક સંબંધો વિષે વરવા આક્ષેપો બહાર આવતા 'ગપ્પીદાસ'ના યુકે અને ભારત સ્થિત સમાજમાં સોંપો પડી ગયો છે.
જાણીતી સંસ્થાના વિખ્યાત અગ્રણીની અંતિમ વિધી થાય તે પહેલા જ તે સંસ્થાનો વહીવટ હસ્તગત કરી લેવા પ્રયત્નશીલ કહેવાતા 'નેતાજી'ના અવિચારી પગલા વિષે મેં 'ગુજરાત સમાચાર'માં તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પાન નં. ૨૯ ઉપર એક લેખ લખ્યો હતો. જે લેખ આપ અમારી વેબસાઇટ પર વેબ લિંક http://bit.ly/2CmP06W ને ક્લીક કરીને પણ વાંચી શકશો. 'નેતાજી'ની આવી વરવી અને ધૃષ્ટ હરકત વિષે અમને ઘણાં બધા વાચક મિત્રોએ સંદેશા પાઠવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમને ઉઘાડા પાડવા અનુરોધ કર્યો હતો.
મારી ભારત અને યુકેની પત્રકારત્વની ૨૭ વર્ષની કારકિર્દી અને મારા વિશાળ અનુભવ દરમિયાન મેં કદી પણ આવા ખટપટીયા અને સત્તાલાલચુ લોકોને જોયા નથી. આપણા સમાજ માટે જેણે કામ કર્યું હોય તેવા સામાજીક નેતાના મૃતદેહ પર સત્તાની સાઠમારી કરતા આવા તત્વો સ્વાર્થી છે તેમ માની લઇએ. પરંતુ પોતાનો સ્વાર્થ ગમે તેટલો મોટો હોય તો પણ તેમણે થોડી તો મર્યાદા રાખવી જોઇએ ને!
એ લેખના નીચે 'અંગારો' શિર્ષક નીચે લંડનના વિવિધ સંસ્થાઅોમાં મોટા-મોટા હોદ્દાઅો પર કહેવાતી સેવા આપતા એક અગ્રણીનો ફોટો યુકેના કેટલાક લોકોના મોબાઇલ ફોનના વોટ્સ એપ ઉપર ફરી રહ્યો છે તેવા સમાચાર જણાવ્યા હતા. તે 'ગપ્પીદાસ' અગ્રણીના કહેવાતા વ્યભીચાર, અનૈતિક સંબંધો અને લોકોને છેતરવા માટે અપાતા ઠાલા વચનો વિષેના આક્ષેપો અંગેની રજૂઆત અમારી સમક્ષ થઇ હતી. તે આક્ષેપો વિષે અત્રે વધુ કહેવું અસ્થાને છે. પરંતુ તે 'ગપ્પીદાસ'ના પરાક્રમો વિષે 'અોલ લેડીઝ લીગ યુકે' અને 'વીમેન ઇકોનોમિક ફોરમ યુકે'ના ચેરપર્સન ક્રિષ્નાબેન પૂજારાને ફરિયાદ કરાઇ છે અને તેઅો વધુ માહિતી આપી શકે તેમ છે.