લંડનઃ બ્રિટિશ રાજધાનીના પ્રસિદ્ધ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ૧૫ ઓક્ટોબરે લંડનના મેયરની વાર્ષિક દિવાળી ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ છવાયો હતો. ઉત્સવની ઉજવણીમાં સ્વાદિષ્ટ ભોજન અને ડ્રિન્ક્સ,સંગીત, નૃત્ય અને જીવંત પરફોર્મન્સીસ સાથૈ પરિવાર સહિત માણી શકાય તેવી પ્રવૃત્તિના રંગીન અને જોશપૂર્ણ કાર્યક્રમોથી ટ્રફાલ્ગર સ્ક્વેરનું સ્વરુપ જ બદલાઈ ગયું હતું. લંડનના મેયર સાદિક ખાને તમામ કોમ્યુનિટીના લંડનવાસીઓ અને રાજધાની મુલાકાતે આવેલા પર્યટકોને ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાઈનેટિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સિલ્ક રિવરમાંથી લેવાયેલા રંગબેરંગી ધ્વજોના સરઘસ સાથે ઉજવણીનો આરંભ કરાયો હતો. આ પ્રોજેક્ટ થેમ્સ એસ્ટ્યુરી અને હુગલી નદીના તટે વસતી કોમ્યુનિટીઓ વચ્ચે વર્ષ દરમિયાન કળામય વિનિમય મારફત લંડન અને કોલકાતા વચ્ચે અનોખા સંબંધ વિશે છે. મુલાકાતીઓને પૂર્ણ કક્ષાના ગરબા બેન્ડની સાથે પરંપરાગત ગરબા નૃત્યનો આનંદ માણવા આમંત્રિત કરાયા હતા. આ પછી વૈવિધ્યપૂર્ણ લાઈવ મ્યુઝિક અને ડાન્સ પરફોર્મન્સીસની રજૂઆત કરાઈ હતી.
સમગ્ર દિવસ દરમિયાન ભારતીય સ્ટ્રીટ ખાણીપીણી માર્કેટમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ અને નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સનું વેચાણ ચાલુ રહ્યું હતું. બાળકોએ પણ ઉત્સવ દરમિયાન દિવાળીની પરંપરાઓ સાથે વણાયેલા વાર્તાકથનના સત્રો, ગેમ્સ, આર્ટ અને હસ્તકળા સહિતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લંડન આઈ ખાતે દિવાળીની રોશનીનો ઝગમગાટ
હિન્દુ, શીખ, જૈન અને બૌધ્ધ દ્વારા ઉજવાતા દિવાળીના તહેવાર દરમિયાન રવિવાર ૧૫ ઓક્ટોબરે સૌપ્રથમ વખત કોકા કોલા લંડન આઈ ખાતે દિવાળીની જોરદાર રોશની કરવામાં આવી હતી. ગ્રેનફેલ ટાવર આગ કરુણાંતિકાના અસરગ્રસ્તોને સમર્પિત કરાયેલી લંડન આઈની રોશનીની પેટર્ન પરંપરાગત રંગોળીની શૈલીમાં હતી. ટેટરશેલ કેસલ શિપ ખાતે આયોજિત ‘લાઈટ અપ લંડન રિસેપ્શન’ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા, મીરા સ્યાલ, ગુરિન્દર ચઢ્ઢા, નીતિન ગણાત્રા, જગ્ગી ડી, લોર્ડ પોપટ, લોર્ડ દેસાઈ, લોર્ડ ગઢિયા, સાંસદો શૈલેષ વારા અને ટેન ધેસી, લોપા પટેલ MBE સહિતના મહાનુભાવો રોશની ઝગમગાવવામાં સામેલ થયાં હતાં. અહીં ગ્રેનફેલ ટાવર અપીલ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટની આયોજક સંસ્થા લાઈટ અપ લંડન કમિટીના સહાધ્યક્ષો રવિ ભનોટ અને વિજય દાવડાએ જણાવ્યું હતું કે લંડન આઈ ખાતે સૌપ્રથમ વખત દિવાળીની રોશનની કાર્યક્રમ માટે લંડન આઈ, ભારતીય હાઈ કમિશન અને વિવિધ કોમ્યુનિટી જૂથો સાથે કામ કરતા અમને આનંદ થયો છે. કોકા-કોલા લંડન આઈના જનરલ મેનેજર સન્ની જૌહાલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે લંડનમાં દિવાળીની ઉજવણીનો હિસ્સો બનવામાં અમને ભારે આનંદ થયો છે. આ વૈવિધ્યસભર અને બહુસાંસ્કૃતિક નગરના આઈકોનિક લેન્ડમાર્ક તરીકે આ વિશિષ્ટ કાર્યક્રમમાં અમારી પોતાની રોશની સામેલ કરવાનું અમને ગૌરવ છે.’ ઈવેન્ટના કો-ઓર્ડિનેટર પ્રણવ ભનોટે જણાવ્યું હતું કે આ ઉત્સવને તાજેતરની ઘટનાઓમાં અશુભ પર શુભના વિજયને સમર્પિત કરવાનું મહત્ત્વપૂર્ણ હોવાનું અમે માનીએ છીએ. જોકે, આ તહેવાર બ્રિટિશ પ્રજાની તાકાત, સ્થિતિસ્થાપકતા અને બહાદુરીનું પણ પ્રતીક છે. અમે કોકા-કોલા લંડન આઈ તેમજ અન્ય સ્પોન્સર્સના તેમના સપોર્ટ માટે આભારી છીએ.
બર્મિંગહામમાં મેયર એન્ડી સ્ટ્રીટની સાથે હાઈ કમિશનર સિન્હાએ પણ બર્મિંગહામના વિક્ટોરિયા સ્ક્વેર ખાતે સૌપ્રથમ દિવાળી લાઈટ્સ પ્રગટાવી હતી. આ વર્ષે લંડનમાં યુકે પાર્લામેન્ટમાં સોમવારે વાર્ષિક સમારંભ સાથે તેમજ ૨૭ ઓક્ટોબરે સિટી હિન્દુઝ નેટવર્ક દ્વારા દિવાળીની વાર્ષિક ઉજવણીઓનું સમાપન થશે. લલિત હોટેલ ખાતે મેયરની દિવાળી અને તે પછી રવિવાર ૧૫ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ભવ્ય ઉજવણી સાથે વાર્ષિકોત્સવનો આરંભ થયો હતો.