લંડનઃ ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગ અને લંડનના મેયરના સમર્થનથી ભારતીય હાઈ કમિશને બુધવાર, ૨૧ જૂને લંડનના વિખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં યોગમાં રસ ધરાવતા સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. યુકેના ૧૫ જેટલા પ્રતિષ્ઠિત યોગગુરુ અને સંસ્થાઓ દ્વારા લોકોને યોગના વિવિધ આસનો તેમજ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. બપોરથી સાંજ સુધીના કાર્યક્રમ દરમિયાન હવામાન પણ ખૂબ સારુ રહ્યું હતું અને દિવસભર સૂર્યપ્રકાશ રહ્યો હતો. પશ્ચાદભૂમિમાં નેલ્સનની કોલમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશો પ્રસારિત કરાયો હતો. કાર્યક્રમમાં યોગ દિવસને અનુલક્ષીને ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો સંદેશો પણ પ્રસારિત કરાયો હતો. યુકેમાં તમામ લોકો ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે યોગ દિવસની ઉજવણી નિહાળી શકે તે માટે મોટાભાગની ધાર્મિક ચેનલો દ્વારા તેનું જીવંત પ્રસારણ કરાયું હતું.
કાર્યક્રમનો આરંભ વૈદિક સંસ્કૃત શ્ર્લોકોના ગાન સાથે થયો હતો.ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહાએ સંબોધનમાં આ ક્રાર્યક્રમના આયોજનમાં મદદ માટે ગ્રેટર લંડન ઓથોરિટી અને ઓફિસ ઓફ મેયર ઓફ લંડનનો આભાર માન્યો હતો. સિંહાએ જણાવ્યું હતું કે યોગ શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ શરીર અને ચેતનાને એકબીજા સાથે જોડવું તેવો થાય છે. વિશ્વ આતંકવાદના ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ દીર્ઘકાલીન શાંતિ અને સંવાદિતા માટેનો માર્ગ બતાવે છે. યોગ એ માત્ર કસરતનો એક પ્રકાર નથી પરંતુ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ થઈને શાંતિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે આ ઐતિહાસિક ઉજવણી માટે સૌને આવકાર્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સ્વરૂપે યોગ અને સંસ્કૃતના સમૃદ્ધ વારસાને રજૂ કરવાની વૈશ્વિક પહેલમાં જોડાવા બદલ સૌનો આભાર માન્યો હતો. લંડનના ડેપ્યુટી મેયર ઓફ કલ્ચર જસ્ટિન સાયમન્સે પણ આ વિશેષ પ્રસંગે ભાગ લેનારા તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
ગઈ ૧૮મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રિ-લોંચ ઈવેન્ટ્સમાં ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા ટુરિઝમના યુકે ડિવિઝન દ્વારા કોકાકોલા લંડન આઈમાં ‘વ્હીલ ઓફ યોગા’નું આયોજન કરાયું હતું. યોગ સંસ્થાઓ દ્વારા લંડન આઈના ૩૨ પોડમાં યોગ અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, લંડનના એલેકઝાન્ડ્રા પ્લેસ ખાતે પણ ૧૮ જૂને યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
એકેડેમી યુકેના કલાકારોની ટીમ દ્વારા યોગના માધ્યમથી વેદિક નૃત્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ અન્ય ગ્રૂપો અને સંસ્થાઓ દ્વારા યોગના વિવિધ પ્રકારના આસનોનું નિદર્શન કરાયું હતું. કાર્યક્રમને ચી ક્રી ક્લાસીસ, સ્કાય યુકે યોગા, પતંજલિ યોગા, અડવાયા ઈનિશિએટિવ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારીઝ, સ્પેશિયલ યોગા ફાઉન્ડેશન (Family Yoga), હિંદુ સ્વયંસેવક સંઘ અને હિંદુ સેવિકા સમિતિ (HSS UK), પદ્મ કોરમ, હાર્ટફૂલનેસ યોગા, બ્રિટિશ વ્હીલ ઓફ યોગા, વર્લ્ડ યોગા ફેસ્ટિવલ અને ઈશા ફાઉન્ડેશન સહિત સંસ્થાઓએ સફળ બનાવ્યો હતો. જાણીતી ભારતીય અભિનેત્રી, ગાયિકા અને વક્તા રાગેશ્વરી લુમ્બા સ્વરૂપ અને એવોર્ડ વિજેતા કુચીપુડી નૃત્યાંગના તથા કોરિયોગ્રાફર અરૂણિમા કુમારે પ્રાચીન વેદિક કાવ્યો અને સંસ્કૃત શ્લોકોના ગાન સાથે સમન્વય સાધીને વિવિધ આધ્યાત્મિક મુદ્રાના ભક્તિનૃત્ય ‘નૃત્ય યોગા’ રજૂ કર્યા હતા. કાર્યક્રમના સમાપને ઉપસ્થિત લોકોએ સંસ્કૃત મંત્રોનું ગાન કર્યું હતું.