લંડનઃ વર્ડ મસાલા ફાઉન્ડેશન અને સ્કાયલાર્ક પબ્લિકેશન્સના ડિરેક્ટર-કવિ યોગેશ પટેલ દ્વારા બ્રિટિશ કાઉન્સિલ અને પોએટ્રી લાઈબ્રેરીની મદદથી ચોથી ઓક્ટોબરે બ્રિટનમાં ભાગ્યે જ નજરમાં આવતી ભારતીય કવિતાની ઉજવણી ચાર કાવ્યસંગ્રહો થકી કરી હતી. યોગેશ પટેલે દરેક કવિના કાવ્યોનું વિશ્લેષણ અને તેમના પર વિશિષ્ટ કવિતાઓ લખી તેમનો પરિચય કરાવ્યો હતો. મોના દાસે માર્ચ મહિનામાં સ્કાયલાર્ક દ્વારા પ્રસિદ્ધ તેમના સંગ્રહ ‘અ સર્ટેન વે’માંથી કાવ્યોનું પઠન કર્યું હતું. ક્રિસ મેક્કેબ, લાઈબ્રેરિયન અને કોન્ફ્લુઅન્સના તંત્રી ડો. વિજય આનંદના હસ્તે રિશી દસ્તિદાર અને ડો. બાશુબી ફ્રેઝરને વર્ડ મસાલા એવોર્ડ એનાયત કરાયા હતા, જેમના પુસ્તકો ટીકર-ટેપ અને ધ હોમિંગ બર્ડ જૂન મહિનામાં પ્રસિદ્ધ થયાં છે.
આ પ્રસંગે યોગેશ પટેલે તેમની લાંબા સમયથી રાહ જોવાતી અને વિવેચનાત્મક રીતે વખણાયેલી કૃતિ ‘સ્વીમિંગ વિથ વ્હેલ્સ’ લોન્ચ કરી હતી. કવિ ડો. દેબજાની ચેટર્જીએ પોતાની રચનાઓનાં પઠન પછી યોગેશ પટેલ વિશે જણાવ્યું હતું કે,‘આ નોખા માનવે માત્ર પોતાની કવિતા લખી નથી પરંતુ, ડાયસ્પોરા કવિઓને પ્રોત્સાહન આપવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.’ યોગેશ પટેલે નવા કાવ્યસંગ્રહમાંથી કાવ્યોનું પઠન કર્યું ત્યારે પાર્શ્વમાં વ્હેલ સંગીત અને વ્હેલના ધ્વનિથી પુસ્તકાલય ગુંજી ઉઠ્યું હતું.
સ્કાયલાર્ક તરફથી પ્રેક્ષકો માટે મફત રેફલનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું હતું કે પી.એન. રિવ્યુ અસાધારણ કવિતા જર્નલ છે, જેનું લવાજમ પ્રત્યેક કાવ્યપ્રેમીએ ભરવું જોઈએ. જર્નલના સંપાદક માઈકલ સ્મિડ્ટ રેફલના વિજેતાને એક વર્ષનું લવાજમ ભેટ આપવા સંમત થયા હતા.
બ્રિટિશ કાઉન્સિલના સાહિત્ય વિભાગના વડા ડેઈઝી લીથે યોગેશ પટેલને લખ્યું હતું કે,‘અદ્ભૂત ઈવેન્ટ અને તમારા નવા સંગ્રહના પ્રકાશન માટે અભિનંદન. અમે આવા રસપ્રદ અને સફળ કાર્યક્રમ સાથે સંકળાયા હોવાનું ગૌરવ અનુભવીએ છીએ.’
પોએટ્રી લાઈબ્રેરી દ્વારા પોતાના આર્કાઈવ માટે આ સંપૂર્ણ ઈવેન્ટનું રેકોર્ડિંગ કર્યું છે, જેને https://soundcloud.com/the-poetry- library/this-glorious- noiseપરથી મફત સાંભળી શકાશે.