લંડનઃ સાંઈરામ દવેએ લંડન અને લેસ્ટરમાં ગુજરાતી લોકસાહિત્ય અને લોકડાયરાની પ્રસ્તુતિ આપી હતી. લોકસાહિત્ય, સંસ્કૃતિ અને હાસ્યના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓએ સાંઇરામને વધાવી લીધા હતા. ક્યારેક દેશપ્રેમની ભાવનામાં ઓતપ્રોત લોકોએ જુસ્સાભેર ભારત માતાના જયકારા લગાવ્યા તો ક્યારેક ગીતો પર મંત્રમુગ્ધ થઈને ગરબાના તાલે ઝૂમ્યા.
લંડનના હૈરો લેઝર સેન્ટરમાં સાંઇરામભાઇએ કહ્યું હતું, “લંડનના ગુજરાતીઓ આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટેનો પ્રેમ છે. ક્રિસમસ ટ્રીની ધરતી ઉપર હું તુલસી લઈને આવ્યો છું. કોઇ આવ્યા છે મોનસૂન લઈને, હું મસ્તી લઈને આવ્યો છું. બડવાઇસર બિયરની વાટે કોસ્ટાની કોફીની વચ્ચે હું ગુજરાતી ગામડીયાની લસ્સી લઈને આવ્યો છું. સ્ટ્રેસ રિલીવ કરવા વાતો હસતી લઈને આવ્યો છું. થેમ્સના કાંઠે હું ગંગાની આરતી લઇને આવ્યો છું.”
વચ્ચે હાસ્યની પિચકારી ઉડાડતા કહ્યું હતું, “અહીંયા કેટલી બધી બરી છે - સડબરી, સ્ટ્રોબરી, કિંગ્સબરી, ક્વીંસબરી, ન્યુબરી... આપણે ત્યાં તો એક જ બરી હોય છે - ભેંસની બરી.”
સાંઇરામ દવેએ કહ્યું હતુંઃ પૈસા કમાવાની લ્હાયમાં લોકો બહુ જ બિઝી થઈ ગયા છે. પોતાના પરિવાર માટે, સમાજ, ભાષા, દેશ માટે જ ટાઇમ નથી. આપણે સુખને પોસ્ટપોન કરી રહ્યા છીયે. તમે તમારી આવનારી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે કનેક્ટ ના કરો તો એમના જીવનમાં સંસ્કારોનું અજવાળું થશે જ નહીં. ફૂડ, ભાષા, કપડાં ભલે બ્રિટિશ જેવા થઈ જાય, તમારું દિલ હિંદુસ્તાની રહેવું જોઇયે. ધ્યાન રાખો કે, ગમતું મળે એ સફળતા છે પણ જે મળે અને ગમે તો એ
સુખ છે.