લંડનઃ બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ એગ્રીમેન્ટની અવઢવમાં મૂકાયેલી હતી ત્યારે વડા પ્રધાન થેરેસા મે દિવાળી રિસેપ્શનનું સ્થળ તેમના નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટથી ખસેડી વધુ ભવ્ય દરબાર કોર્ટમાં લઈ ગયાં હતાં. વેસ્ટમિન્સ્ટરની કિંગ ચાર્લ્સ સ્ટ્રીટમાં આવેલા વિસ્તારની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં દરબાર કોર્ટ આવેલ છે. વડા પ્રધાન મે તેમની કેબિનેટમાંથી બ્રેક્ઝિટ સેક્રેટરી તથા વર્ક્સ એન્ડ પેન્શન્સ સેક્રેટરીના રાજીનામાંના પગલે પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત હોવાથી તેમના વતી હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ સેક્રેટરી ઓફ સ્ટેટ જેમ્સ બ્રોકેનશાયર તેમજ વડા પ્રધાન મેના પતિ ફિલિપ મે દિવાળી રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી દરબાર કોર્ટની પુષ્પો અને રોશનીથી સુંદર સજાવટ કરવામાં આવી હતી. બ્રિટિશ લશ્કરી દળોના અધિકારીઓ ઉપરાંત, હિન્દુ, શીખ અને જૈન સંપ્રદાયોના ૩૦૦થી વધુ લોકોની હાજરી સાથે આ સ્થળ રમણીય જણાતું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોએ સંગીતની સાથોસાથ વાનગીઓનાં આસ્વાદને પણ માણ્યો હતો. નીસડન સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ પ્રાર્થનાઓ સાથે ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રોકેનશાયર તેમજ ફિલિપ મેએ મહેનતુ અને શાંતિપ્રિય ભારતીય કોમ્યુનિટીની ભારે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ડાયસ્પોરાએ તેમની સંસ્કૃતિ સાથે બ્રિટનને સમૃદ્ધ બનાવ્યું છે અને બ્રિટિશ જીવનના તમામ પાસામાં તેઓ પ્રદાન આપી રહ્યા છે.
કાર્યક્રમના સમાપન સમયે નીસડન સ્વામિનારાયણ મંદિર દ્વારા મહેમાનોને તેમનું વર્ષ મીઠું બની રહે તેવી ભાવના સાથે ભારતીય મીઠાઈઓનું બોક્સ આપવામાં આવ્યું હતું