રવિવાર તા.૧૫ નવેમ્બરના રોજ દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા સેંકડો ભાવિકો ઉમટ્યાં હતાં. એના સર્જન પાછળ સર્જકની દિવ્ય દ્રષ્ટિના દર્શન થતાં હતાં.
એના થીમમાં જંગલ ખડું કરાયું હતું અને જીવોનો ઉત્ક્રાંતિવાદ (એકેન્દ્રીય થી પંચેન્દ્રીય), જીવન જરૂરિયાત માટે અન્ન, ફળફળાદિ, વનસ્પતિ, પંખીઅોનો કલરવ,વાનગીઅોની સજાવટ, રંગોળી વગેરે કલાત્મક રીતે કરવામાં અાવ્યા હતાં. ઉપરાંત ભવ્ય સમોવસરણનું દ્રશ્ય જ્યાં ભગવાન મહાવીરે એમના મોક્ષ કલ્યાણક પૂર્વે પૃથ્વી પરના તમામ જીવોને અાપેલ દેશના (ઉપદેશ)નું દ્રશ્ય બ્રિટનની પાનખરમાં વસંતના વધામણાં જેવું મનોહર ભાસતું હતું. માનવના પ્રાથમિક સ્તરથી અાજ સુધીના અાધુનિક યુગની ઝાંખી લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી દર્શાવાઇ હતી.
એનું નેતૃત્વ સંભાળી રહેલ યુવા દંપતિ મેઘાબેન, પ્રજયભાઇ, વર્ષાબેન અને પરિવારની સાદગી અને ચહેરા પરની તાજગી માટે સહજ રીતે માન ઉપજે એવા હતા. અનેક ભાઇ-બહેનોના સાથ-સહકારથી અા ભવ્ય અાયોજન થયું હતું.
અા સેન્ટરમાં બાળકોને પણ જીવનમાં સારા નાગરિક -માનવ બનવાના પાઠ, સેવાભાવ એવી સરસ રીતે રમતાં રમતાં શીખવવામાં અાવે છે કે એમાં સમગ્ર કુટુંબ સામેલ થઇ જીવનમાં ગુમાવેલ અણમોલ તત્વ મેળવ્યાંનો અાનંદ માણી રહ્યાં હોય એવા ભાવ ઉપજેલા જોવા મળતાં હતાં. તસવીરમાં અા દ્રશ્યની ઝાંખી થાય છે.