બ્રિટનના વિખ્યાત ઉદ્યોગપતિ અને ઉદારમના શ્રેષ્ઠી ધામેચા પરિવાર દ્વારા દિવંગત પિતૃઓના પૂણ્યાત્માના સ્મરણાર્થે શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ ખાતે ૨૮ જૂન, રવિવારથી શનિવાર ૪ જુલાઇ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારીને કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખવાની સરકારી પ્રતિબધ્ધતાને ધ્યાનમાં રાખીને ધામેચા પરિવારે આ ભાગવત સપ્તાહનું પ્રસારણ "આસ્થા" ટી.વીના માધ્યમ દ્વારા વિશ્વભરમાં પ્રસારણ થઇ શકે એવું આયોજન કર્યું છે જેથી સૌ સનાતન ધર્મપ્રેમી ઘેરબેઠાં બપોરે ૧ થી ૪ દરમિયાન ભાગવત કથાનું શ્રવણ કરી શકે છે.
રવિવારે ગ્રીનફર્ડના શ્રી જલારામ મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થઇ ત્યારે ધામેચા પરિવારના શ્રી પ્રદીપભાઇએ "આસ્થા" (સ્કાય ચેનલ 724) પરથી પોતાનું વક્તવ્ય આપતાં જણાવ્યું કે, “અમારા ધામેચા પરિવારના આધારસ્તંભ સમા મારા પિતાશ્રી ખોડીદાસભાઇ ધામેચા ચાર મહિના પહેલાં વૈકુંઠવાસી થયા, મારા પરિવારના સ્નેહાળ સદસ્ય દિવંગત શ્રી જયંતિકાકા છ વર્ષ પહેલાં વૈકુંઠવાસી થયા અને મારી ભાણી દિવંગત વીશા ભારતી જે મારી દિવંગત બહેન જયશ્રીબહેન મુકેશભાઇ વિઠ્ઠલાણીની દિકરી હતી એ ત્રણેય દિવંગત પૂણ્યાત્માઓના સ્મરણાર્થે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. મારા પિતાશ્રી ખોડીદાસભાઇ એમની પાછળ વિશાળ પરિવાર છોડી ગયા છે. ત્રણ ભાઇઓના એ પિતા સમાન હતા, એ ત્રણેય ભાઇઓ ખૂબજ ઘનિષ્ઠ આત્મીયતાથી બંધાયેલા હોવાથી અમારા પરિવાર વચ્ચે અતૂટ સ્નેહ, સંપ અને સુમેળ જળવાયેલો છે, અમારી યુનિટી એ જ અમારી સફળતાનું કારણ છે. શ્રી જલારામ મંદિરના પૂજારી શ્રી પુલકેશભાઇ ત્રિવેદી વ્યાસપીઠ પરથી કથા શ્રવણ કરાવશે એમની સાથે વિશાલભાઇ પંડ્યા અને કેયૂરભાઇ ભટ્ટ સહયોગ આપશે. રોબીન ક્રિશ્ચન અને સાથીદારો સંગીત આપશે. પ્રદીપભાઇએ ગ્રીનફર્ડ શ્રી જલારામ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો. સાત દિવસની ભાગવત કથાનો સારાંશ ધામેચા પરિવારના નિકટના મિત્ર, લેસ્ટર સ્થિત શ્રી નિલેશભાઇ સામાણી રોજ કથાની શરૂઆત પૂર્વે રજૂ કરે છે. શ્રીમદ ભાગવત સપ્તાહના સાત દિવસ દરમિયાન રોજ વિવિધ સંપ્રદાય-ગાદીના સંતો, મહાત્માઓ એમના વકતવ્યો રજૂ કરી રહ્યા છે.
શ્રી નિલેશભાઇ સામાણીએ ભગવાનશ્રી રામચંદ્રની સ્તુતિ કરતાં પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે, આપ સૌ જાણો છો કે લંડન અને જામનગરના નિવાસી શ્રી ખોડીદાસભાઇ થોડા મહિના પહેલાં શ્રીજી ચરણ પામ્યા છે. આપ સૌના ભાવથી ભીંજવેલ લાગણી અને શબ્દોની માલા દ્વારા ધામેચા પરિવારને ખાતરી થાય છે કે તેઓ એવું જીવન જીવી ગયા કે એમના સત્કાર્યો, ઉદાર સ્વભાવ, બીજા પ્રત્યે સહ્દયતા અને આચરણથી જ ગતિ નિશ્ચિત કરી ગયા. જ્યાં ગતિ છે ત્યાં પુરષોત્તમ છે, જયાં પુરષોત્તમ છે ત્યાં પ્રેમ છે, જયાં પ્રેમ છે ત્યાં કૃષ્ણ છે અને જયાં કૃષ્ણ છે ત્યાં વ્રજ છે. એક એવું જ વ્રજ ખોડીદાસભાઇ ધામેચાએ એમના હ્દયમાં, ઘરમાં અને મનમંદિરમાં સર્જયુ હતું. એમની પાવન સ્મૃતિમાં તેમજ પરિવારના વૈકુંઠવાસી આદરણીય જયંતિભાઇ અને બહેન વીશા ભારતીની યાદમાં આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે. આ ઇલેકટ્રોનિક્સ વિજ્ઞાનના માધ્યમ દ્વારા અનેક સાધુ-સંતોના આશીર્વચન સાથે આ ભાગવદ સપ્તાહનું સૌને શ્રવણ કરવા મળશે. ધામેચા પરિવાર સૌ આ પ્રસંગે ગૌરવની લાગણી સાથે ધન્યતા અનુભવે છે. એમની પ્રાર્થના છે કે આપ સૌ સોશ્યલ ડિસ્ટન્સને કારણે ઘેર બેઠાં આ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપજો જેથી દિવંગત આત્માઓને શાંતિ મળે. કથા વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી પુલકેશભાઇ ત્રિવેદીએ એમના મધુર કંઠે શ્રી જલારામ કથા, શ્રી હનુમંત ચરિત્ર, ગૌમાતા કથા અને ભાગવત કથા કરેલી છે. તેઓ ચરોતર પ્રદેશના નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ભાષાનો ઉપભોગ કરીને દશ વર્ષ પહેલાં લંડન આવ્યા છે.
કથાના પ્રથમ દિવસે આપણી સમક્ષ એક એવી વિભૂતિ આવે છે જે ધામેચા પરિવાર સાથે પ્રેમ અને કરૂણાભાવથી જોડાયેલી છે. જેઓએ યુવાનોને ધર્મ-આધ્યાત્મ સાથે જોડવાનું કાર્ય શરૂ કર્યું છે. ધર્મો રક્ષતિ રક્ષત: અર્થાત આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. આ સનાતન સત્ય વિચારની પાછળ એક નિ:સ્વાર્થ પરિશ્રમની ઘટા છે. આજના યુગમાં ખાસ કરીને એવા યુવાનોની જરૂર છે જે વ્યક્તિગત સ્વાર્થ છોડી નિ:સ્વાર્થભાવે સંસ્કૃતિનો પાયો મજબૂત કરે અને દ્રઢવિશ્વાસ સાથે એના પોતાના કર્તવ્ય થકી એક નવી મિશાલ કાયમ કરે. એવા દ્રઢસંકલ્પ સાથે VYO (વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન્સ)ના પ્રણેતા, પૂ. ગોસ્વામી ૧૦૮ ઇન્દિરાબેટીજીના વંશજ અને ગૌરવવંત પુત્ર અધિકારી પૂ.ગોસ્વામી શ્રી ૧૦૮ પૂ.વ્રજરાજકુમારજી મહોદયશ્રીને પ્રણામ અને સહ્દય વંદન. VYOનો ધ્યેય તો એ જ છે કે યુવાનો ધર્મના સિધ્ધાંતોને સાચી રીતે સમજે અને એમના જીવનનું વલણ આધ્યાત્મિકતાના પાયા પર મજબૂત બને.
વડોદરા પુષ્ટીમાર્ગીય હવેલી પરથી પૂ.ગોસ્વામી શ્રી ૧૦૮ પૂ.વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ગૌલોકવાસી ખોડીદાસભાઇ, જયંતિભાઇ અને વીશા ભારતીને અંજલિ આર્પતાં કહ્યું કે, ખોડીદાસભાઇ ધામેચા અત્યંત ઉદાર અને સાત્વિક વ્યક્તિત્વ હતું. એમને પોતાના પરિવારજનોને જે સંસ્કારો પ્રદાન કર્યા એ સંસ્કારો થકી પેઢી દર પેઢી યાદ કરશે, આજે એ ભલે આપણી વચ્ચે સ્વદેહે ઉપસ્થિત નથી. મને યાદ છે જયારે પ્રદીપભાઇને ઘેર મારી પધરામણી થઇ ત્યારે ખોડીદાસભાઇ સાથે મારે વાર્તાલાપ કરવાનો લાભ મળ્યો હતો. એમની અંદર સૌમ્યતા અને દીનતા નિતરતી દેખાતી અને એટલો બધો પોતાના પુત્ર અને પરિવાર પર વિશ્વાસ હતો, એમનો કેરીંગ નેચર હતો, એમને હંમેશા બધાને પ્રેમ આપ્યો છે એટલે જ કુટુંબમાં પરસ્પર પ્રેમભાવ છલકે છે. પ્રદીપભાઇની દીકરી રાધિકાના લગ્નપ્રસંગે મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું ત્યારે ખોડીદાસભાઇની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી. પૌત્રીના લગ્ન થતાં જોઇ એમના મુખ પર અતિ આનંદ, પ્રસન્નતા જણાતી હતી.આ ધામેચા પરિવાર વચ્ચે શુભ અને શુધ્ધ ભાવનાઓ, એકબીજા માટે ઘસાઇ જવાની જે ભાવનાઓ છે એને મેં મારી નજરે જોઇ છે. જામનગરમાં ખોડીદાસભાઇ એમના છેલ્લા દિવસોમાં ૮૦થી વધુ દિવસ બેડરેસ્ટ પર રહ્યા હતા ત્યારે પ્રદીપભાઇ, વીણાબહેન અને પરિવારજનોએ સતત ખડેપગે રહીને એમની સેવા કરી છે. સતયુગના શ્રવણકુમારના ઇતિહાસના પ્રસંગોને ઘણીવાર યાદ કર્યા છે એવા શ્રવણકુમાર આ ભૂતલ પર પ્રગટ રૂપે પ્રદીપભાઇની પિતૃભક્તિમાં જોઇ. આ પરિવાર ખુબ જ સમૃધ્ધ છે. ભગવાનની વિશેષ કૃપા છે. લંડનમાં ધીકતો ધંધો હોવાછતાં પ્રદીપભાઇ જ્યારે એમના પિતા બિમાર પડતા ત્યારે બધા જ કામ પડતા મૂકીને અવારનવાર ભારત દોડી આવતા. ખોડીદાસભાઇના છેલ્લા દિવસોમાં જામનગર મળવા ગયો હતો, તેઓ બોલી શકતા નહિ પણ સતત મંત્રોચ્ચાર અને ભગવદ સ્મરણ ચાલતું હતું, ત્યાંનું વાતાવરણ દિવ્ય હતું. ખોડીદાસભાઇનો દિવ્યાત્મા સત્સંગનું ભાથુ લઇને શ્રીજી ચરણ પામ્યો.
ધામેચા પરિવારે લોહાણા જ્ઞાતિ માટે, પુષ્ટિ સંપ્રદાય માટે કે માનવતાના કાર્ય અને ધર્મ-સમાજની સંસ્થાઓના કાર્ય માટે તન, મન અને ધનથી સેવા પ્રદાન કરી છે. હમણાં જ કોવિદ-૧૯ની મહામારીમાં ભારતના ઘણા બધા ગરીબોને VYOના માધ્યમ દ્વારા સેવા સંકલ્પ શરૂ કર્યો ત્યારે ૨૫૦૦૦થી વધુ ગરીબોને અન્નની કીટ પહોંચાડી ગુજરાત સરકાર અને ભારત સરકારને આર્થિક મદદ માટે હેલ્પ કીટ અર્પણ કરી એમાં આ પ્રોજેકટમાં સૌથી પહેલ કરી હોય તો પ્રદીપભાઇ. એમને VYOના સેવા સંકલ્પમાં મોટી રાશિ દાન કરી છે.
સોમવારની ભાગવત કથા વખતે નિલેશભાઇ સામાણીએ રામાયણના કેવટ પ્રસંગમાં પાંચ પૂણ્યોની વાત કરી આપણા પાંચ મુખ્ય આચાર્યોમાંના એક વલ્લભાચાર્યજી છે.તેઓએ પુષ્ટિમાર્ગ સંપ્રદાયની સ્થાપના કરી. ઠાકોરજીની જેમના પર અમીદ્રષ્ટિ છે એવા પુષ્ટી સંપ્રદાયના શ્રી સપ્તધિષ્ઠાશ્વર પૂજ્ય ગોસ્વામી ૧૦૮ પૂ. દ્વારકેશલાલજી મહોદયશ્રીએ ગુજરાતથી ટીવી માધ્યમ દ્વારા આપેલ આશીર્વચનમાં કહ્યું કે, આદરણીય પરિવારના પૂજ્ય ખોડીદાસભાઇના સ્મરણાર્થે, તથા શ્રી જયંતિભાઇ અને વીશા ભારતીના સ્મરણાર્થે જયારે ભાગવત કથાનું આયોજન થયું છે ત્યારે ઠાકોરજીને વિનવીએ કે હે સર્વસમર્થ, હે પરબ્રહ્મ પરમાત્મા, હે પૂર્ણ પુરૂષોત્તમ હરિ આ પૂણ્યાત્માઓ પરલોકમાં જયાં વિચરણ કરતા હોય જ્યાં એમના આત્મા સ્થિર થયા હોય ત્યાં આપણે બધા પ્રાર્થના કરીએ એમનું મૃત્યુ મંગલમય થાય. ધ્યાન રહે, આપના હિન્દુધર્મમાં મૃત્યુને અશુભ માન્યું છે પણ અમંગળ કયારેય માની શકાય નહિ. આપણા સ્વજનનો શોક હોય, સંતાપ હોય પણ એ અમંગળ નથી. ખોડીદાસભાઇ જેવા મહાન આત્મા, ઉદાર દાનવીર જેના દ્વારા અવિરત દાન પ્રવાહ વહેતો રહ્યો હોય એવા પૂણ્યાત્મા એ કોઇપણ લોકમાં વિચરણ કરતા હોય ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપના ચરણોમાં સ્થાન પામે.
સાજ સજીલે, ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા; ન્હાલે, ધોલે, શીશ ગૂંથાલે, વહાંસે ફિર નહિ આના હોગા; મિટ્ટી ઉડાવન, બિછાવન, મિટ્ટીમાં મિલ જાના હોગા.” સાજન એટલે સર્વ સમર્થ પરમાત્મા અને ચતુર અલબેલી એટલે આપણો આત્મા. આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થાય ત્યારે ઉત્સવ બની જાય, મૃત્યુ ઉત્સવ બની જાય ત્યારે ઉર્ધ્વ ગતિ તરફનું એ દિવ્યાત્માનું પ્રયાણ મંગલ થાય છે. વ્યક્તિ જયારે જીવિત હોય હોય છે ત્યારે એના દ્વારા કરાયેલા સત્કર્મ થકી એના દિવ્યાત્માનું ઉર્ધ્વ ગમન થાય છે અને પ્રભુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય ચે. શ્રી ભાગવતજી એ તો પ્રાણતિલક છે. ભાગવતજી દ્વારા આ સપ્તાહનંુ આયોજન થઇ રહ્યું છે ત્યારે હું આશીર્વાદ આપી રહ્યો છું કે અનેક માનવકલ્યાણકારી કાર્યોમાં અનેક સમાજ અને જ્ઞાતિના કાર્યોમાં યોગદાન આપનાર સર્વપ્રિય, સર્વ પરિચિત શ્રેષ્ઠી પરિવારમાં જયારે એમના વડીલોની ગેરહાજરીમાં એમના યુવાનોમાં સંસ્કારો બોલી રહ્યા છે ત્યારે એમના પૂણ્યાત્માઓને હે પ્રભુ આપના ચરણમાં સ્થાન પ્રાપ્ત થાઓ.” મંગળવારે સવારે જામનગરથી આણંદાબાવા આશ્રમના પૂ. દેવીપ્રસાદજી બાપુએ કહ્યું કે,” આપણે એકાદશીનું વ્રત કરીએ અનેક ફળફળાદિ, ફરાળ જમીએ પણ બીજાને કે ગરીબને ખીચડી પણ ના ખવડાવી શકીએ એ એકાદશી વ્રત ફળે નહિ. કેટલાક પૂછે છે કે ભાગવત કથા કરવાથી પિતૃઓની મુક્તિ થાય? એનું પ્રમાણ શું? ભાગવતજી એ મૃત્યુ કેવું હોય એ શીખવે અને રામાયણ કેવું જીવન જીવવું એ શીખવે છે. આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે સત્કર્મ કરવું. ઘણા લોકોને સત્યનારાયણની કથા કરવી હોય તો પણ નથી કરી શકતા. સત્કર્મ ત્યારે જ સફળ થાય જયારે પોતાનું પૂણ્ય, પૂર્વજોનું પૂણ્ય અને પિતૃઓનું પૂણ્ય પ્રાપ્ત થાય ત્યારે જ સત્કર્મ થાય. ખોડીદાસભાઇ બહુ લાંબા સમય સુધી જામનગરમાં રહ્યા. એ એવું જીવન જીવી ગયા કે લોકોને એમના જવાથી ભારે ધ્રાસ્કો લાગ્યો.”
ધામેચા પરિવાર આયોજિત આ ભાગવત કથા આપ આસ્થા ચેનલ પર રોજ બપોરે ૧ થી ૪ દરમિયાન સાંભળી શકો છો.