લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં રવિવાર, ૯ જુલાઈએ ગુરુ પૂર્ણિમાં ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સાંજની વિશેષ ધર્મસભામાં સાધુઓ દ્વારા ગુરુની મહાનતાના ગુણગાન કરતી ભક્તિમય પ્રાર્થનાઓ ગાવામાં આવી હતી. આ પ્રસંગે ૮૦ વર્ષીય વિલાસબહેન ધાનાણી (MBE), નીતિનભાઇ પલાણ (MBE) તેમજ વિનુભાઇ કોટચા (BEM)નું તાજેતરમાં જ મહારાણી દ્વારા એનાયત થયેલા ઇલ્કાબ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
નોર્થવેસ્ટ લંડન અને ભારતમાં હજારો વૃદ્ધ ઈમિગ્રન્ટ મહિલાઓની સેવામાં ૪૦ વર્ષ ખર્ચનાર અને વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે ૪૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરનાર સ્ટેનમોરના ૮૦ વર્ષીય નિવાસી વિલાસબહેન ધાનાણીને શ્રીમતી કમુબેન પલાણ દ્વારા ફૂલમાળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્ટર ફેઈથ સંબંધો માટે સેવાઅો અને ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશન થકી પરોપકારી પ્રવૃત્તિઓ કરનાર અને વિવિધ સંસ્થાઅોમાં સક્રિય સેવાઅો આપતા શ્રી નીતિનભાઇ પલાણને લંડન મંદિરના વરિષ્ઠ સંત પૂ. યોગ વિવેક સ્વામીએ ફૂલમાળા અર્પણ કરી સન્માન કર્યું હતું. જ્યારે મા સરસ્વતી સ્પીરીચ્યુઅલ સેન્ટર, વેમ્બલી, અપના ઘર - વલસાડ અને લોહાણા કોમ્યુનીટી નોર્થ લંડન સહિત વિવિધ સંસ્થાઅોમાં સેવા પ્રવૃત્તી કરતા શ્રી વિનોદભાઇ કોટેચાનુ પૂ. યોગ વિવેક સ્વામી દ્વારા ફૂલમાળા પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતોએ ધર્મસભાને સંબોધન કર્યું હતું અને માનવીના જીવનમાં ગુરુના મહત્ત્વ અને આવશ્યકતા વિશે જણાવ્યું હતું. તેઓએ ગુરુ અને શિષ્ય વચ્ચે વિશિષ્ટ સંબંધની વાત કરી વ્યક્તિના આધ્યાત્મિક પ્રવાસ અને વિકાસમાં ગુરુ દ્વારા અપાતા માર્ગદર્શનની સરાહના કરી હતી.
સભામાં એક ટુંકા વિડિયોની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં પૂજનીય મહંત સ્વામી મહારાજે પોતાના ગુરુઓની અંગત સ્મરણયાત્રામાં સંતોને સહભાગી બનાવ્યા હતા. મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓને પુષ્પની પાંખડીઓ થકી ભક્તિપૂર્વકની આદરાંજલિ વ્યક્ત કરીને સાધુઓએ સભાનું સમાપન કર્યું હતું.