નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત એકરના ભવ્ય પ્રાંગણમાં 22થી 31 જુલાઇ સુધી 10 દિવસ ચાલનારા ભવ્ય સાંસ્કૃતિ ઉત્સવનું આયોજન કરાયું છે. વિનામૂલ્યે પ્રવેશ છે તેવા આ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં 10 દિવસ સુધી ચાલનારા પ્રેરણાદાયી દ્રશ્યો, ધ્વનિ અને સ્વાદિષ્ટ વ્યંજનોના રસથાળમાં લાખો શ્રદ્ધાળુઓ સામેલ થશે. 10 દિવસના આ પ્રેરણા ઉત્સવમાં બાળકો સહિત સમગ્ર પરિવાર માટે કાંઇક શીખવાનું ઉપલબ્ધ બનશે. ઇવેન્ટમાં બાળકો માટે સાંસ્કૃતિક વન્ડરલેન્ડ તૈયાર કરાયું છે જેમાં તેઓને શિક્ષણની સાથે સાથે વાર્તાઓ પીરસાશે, બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી શકશે. પ્રાંગણમાં તૈયાર કરાયેલા મંચ પર વિવિધ નામાંકિત કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિની સાથે સાથે સંગીતના સૂરો રેલાવાશે. શ્રદ્ધાળુઓ ફૂડ કોર્ટમાં ભારતીય વાનગીઓનો આનંદ માણી શકશે.
પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનમાં મુદ્રાલેખ અપનાવ્યો હતો કે અન્યોના આનંદ અને ખુશીમાં જ આપણો આનંદ અને ખુશી રહેલાં છે. આ નિસ્વાર્થ આદર્શના વૈવિધ્યપૂર્ણ પાસાઓ સુખાકારી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. પ્રેરણા ઉત્સવના દરેક મુલાકાતી વિનામૂલ્યે આરોગ્ય જાગૃતિ અંગેની સલાહ, તાલીમ અને સ્ક્રિનિંગના લાભ મેળવી શકશે. તે ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ હબ ખાતે તેઓ આરોગ્ય અને સુખાકારી સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઇ શકશે. આ સુવિધા શ્રદ્ધાળુઓને કસરત અને પૌષ્ટિક આહાર અંગે શિક્ષિત કરશે, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે મક્કમ બનાવશે અને વિવિધ આરોગ્ય જાગૃતિના સ્ટેન્ડ ખાતે તેમને માનસિક આરોગ્ય અંગે પણ શિક્ષણ અપાશે. આરોગ્ય લક્ષી આ કાર્યક્રમોમાં નિષ્ણાતો દ્વારા વર્કશોપ અને સેમિનાર, કસરત અને યોગના સેશન, આરોગ્યપ્રદ ભોજન માટેના રસોઇના કાર્યક્રમો પણ સામેલ કરાયાં છે.
વિવિધ થીમ ધરાવતા દિવસોએ બાળરોગો, હૃદયના રોગો, દાંતની બિમારીઓ, મહિલાઓ અને વૃદ્ધોના આરોગ્ય સહિત લોહી, બોનમેરો અને ઓર્ગન ડોનેશન જેવા વિવિધ આરોગ્યલક્ષી મુદ્દાઓને આવરી લેવાશે.ઉત્સવમાં ભાગ લેવા આવનાર દરેક વ્યક્તિને હેલ્થ સ્ક્રિનિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. અગ્રણી આરોગ્ય સખાવતી સંસ્થાઓ દ્વારા આરોગ્ય સુધારવા સમગ્ર પરિવારને માહિતી અને સાધનો ઉપલબ્ધ કરાવાશે.
ઘરઆંગણે ઉપલબ્ધ થનારા આ શો, પ્રદર્શનો, ગેમ્સ અને પડકારોના અનુભવ માટે એક અથવા તો વધુ દિવસ ફાળવો. તમારા પોતાના, મિત્રોના અને પરિવારના આરોગ્યને સુધારવાની આ આદર્શ તક ઝડપી લો.