BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતી ભાષાના શિક્ષણના ભાવિ વિશે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની ૩૮ સપ્લીમેન્ટ્રી સ્કૂલ, મંદિરો અને સમુદાય જૂથોના ૧૦૮ જેટલા સીનીયર મેનેજમેન્ટ રીપ્રેઝન્ટેટીવ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન વિષે ચર્ચા વિચારણા કરી હતી.
યુકેની સૌ પ્રથમ પ્રકારની આ કોન્ફરન્સમાં જીસીએસઇ ગુજરાતી પરીક્ષાઓના આગામી ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ગુજરાતીની જીસીએસઇ અને એ-લેવલની પરીક્ષાઓ લેવાનું બંધ કરવાના સંભવિત નિર્ણયને પગલે ૨૦૧૭થી અત્યાર સુધીમાં નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. પીઅર્સન પરીક્ષા બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી પરીક્ષાની વિશિષ્ટતાઓ વિશે ગુજરાતી શાળાઓ અને શિક્ષકોને માટે માહિતી મેળવવાની આ પહેલી તક હતી. આ પરીક્ષા બોર્ડ જીસીએસઇ અને એ-લેવલ ગુજરાતીનો વહીવટ અને સંચાલન કરનાર છે.
'ટ્રેઝર, ઇનોવેટ અને ઇન્સ્પાયર'ના થીમ આધારીત આ કોન્ફરન્સમાં વક્તવ્ય, વર્કશોપ અને નેટવર્કીંગ સત્રોનો સમાવેશ કરાયો હતો. જેથી ગુજરાતી ભાષાના ઐતિહાસિક અને સમૃદ્ધ વારસાનો વિકાસ કરી શકાય અને અદ્વિતીય અધ્યયન પદ્ધતિઓ તેમજ જીસીએસઇ પરીક્ષાઓ વિશે નવીનતમ માહિતી આપી શકાય. આ ઉપરાંત નવયુવાનોને ગુજરાતી શીખવવા અને તેમના માતાપિતામાં ગુજરાતી ભાષા બાબતે જાગૃતિ લાવવા માટે તેમને ઉત્સાહીત કરવાનો આશય હતો.
આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તાઅો તરીકે એલિસ્ટર ડ્રેવરી (પીઅર્સનના ભાષા વિષયક સલાહકાર), પાસ્કલ વાસી (ઓબીઇ, નેશનલ રિસોર્સ સેન્ટરના માધ્યમિક શિક્ષણ માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર), બર્નાન્ડેટ્ટ હોમ્સ (એમબીઈ, ફ્યુચર ટુ સ્પોક લેંગ્વેજ કેમ્પેઇન ગૃપ) અને અંજુ ભટ્ટ (CVC બ્રેન્ટ) મુખ્ય હતા. જેમણે ગુજરાતી શિક્ષણ માટે ગ્રાન્ટ મેળવવા અને ભંડોળ પૂરું પાડવામાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે હેરો વેસ્ટના MP ગેરેથ થોમસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગયા વર્ષે ગુજરાતી પરીક્ષાને બચાવવા માટે ઝૂંબેશ ઉઠાવી હતી.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પણ ગુજરાતી શાળાઓના મૂલ્ય પર ભાર મૂકતો વિડીયો સંદેશ પ્રસ્તુત કરાયો હતો. પૂ. વિવેક્સગર સ્વામીએ ગુજરાતી શિક્ષણ અને શિક્ષણના પ્રોત્સાહન અંગે વિડિઓ સંદેશો આપ્યો હતો.
બર્નાન્ડેટ હોમ્સએ ગુજરાતી શીખવાથી થતા "સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક લાભો" પર ભાર મૂક્યો હતો. એલિસ્ટર ડ્રેવરીએ જણાવ્યું હતું કે, "હું સંસ્થા દ્વારા ખૂબ પ્રભાવિત છું, અને આજે અહીં ઘણા ભાષા શિક્ષકોના જુસ્સાથી હું વધુ પ્રભાવિત થયો છું અને તેમની સાથે મળીને કામ કરવા આતુર છું."
આ પરિસંવાદની સફળતા જોતા આગામી કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં હાજરી આપવા પ્રતિનિધિમંડળના સદસ્યોએ જુસ્સો બતાવ્યો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આ પરિસંવાદના મીડીયા પાર્ટનર હતા.
તમામ ગુજરાતી શિક્ષકોને જુલાઈ ૨૦૧૮માં યોજાનાર આગામી કોન્ફરન્સમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. સંપર્ક: ઇમેઇલ : [email protected]