લંડનઃ ભારતીય હાઈ કમિશન અને લંડનમાં તેમજ તેની આસપાસમાં આવેલા ગુરુદ્વારા અને પંજાબી કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા ૩૦ એપ્રિલને રવિવારે SKLP સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, નોર્થોલ્ટ ખાતે પંજાબીઓના નવા વર્ષ વૈશાખીની દિવસભર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખી તેમજ ગુરુ ગોવિંદસિંહની ૩૫૦મી જયંતીની વૈશ્વિક ઉજવણી માટે ૨૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જયંતીની ઉજવણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પટણા સાહિબથી કરાવી હતી.
શીખોના ૧૦મા પૂજ્ય ધર્મગુરુ ગોવિંદસિંહના શાંતિ,સામાજિક સંવાદિતા અને શૌર્યના સંદેશાને પંજાબી અને શીખ વસતિ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી યોજાયેલો આ સૌથી મોટો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ આ પ્રસંગે કેસરી પાઘડી પહેરી હતી અને કાર્યક્રમમાં ટૂંકુ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે હું આપ સૌને વેશાખી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અમે ઘણાં ગુરુદ્વારા, વોલન્ટિયર્સ અને સ્પોન્સર્સની મદદથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આપ સૌ અહીં ઉપસ્થિત છો. આપ સૌ અહીં પધાર્યા તે બદલ આપનો આભાર. ભગવાનની કૃપાથી હવામાન સારું છે અને હું આશા રાખું છું કે આપ સૌને આનંદ આવતો હશે અને આશા રાખું છું કે આપણે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરી શકીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમણે તમામ ગુરુદ્વારા અનેકોમ્યુનિટી સંસ્થાઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની આર્થિક સહાય તથા લંડનના ૧૪ ગુરુદ્વારાના સહયોગથી કરાયું હતું. જેમાં સંખ્યાબંધ વોલન્ટિયર્સે પરજ બજાવી હતી. મુલાકાતીઓ માટે લંગરમાં સંખ્યાબંધ વાનગી રખાઈ હતી. દિવસ દરમિયાન ૧૫ હજારથી વધુ લોકોએ લંગરનો લાભ લીધો હતો.
વૈશાખીની ઉજવણી દરમિયાન સામાજિક સંવાદિતાના હાર્દને રજૂ કરતા ભારતના વૈવિધ્યને દર્શાવતા ૬૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. જોકે, તેની મુખ્ય થીમ તો પંજાબી સાંસ્કૃતિક પરંપરાની સમૃદ્ધિ અને જુસ્સો હતા. બે સ્ટેજ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં યુકે અને ભારતના જાણીતા કલાકારોએ પંજાબી આધ્યાત્મિક સંગીત અને ભાંગડા રજૂ કર્યા હતા. પંજાબી માર્શલ આર્ટ, બાળકો માટે કબ્બડી, પાઘડી બાંધવાની કળા, ફેસ પેઈન્ટિંગ, મહેંદી કલા અને નાના બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.
સેકન્ડ સેક્રેટરી IFS (પબ્લિક ડિપ્લોમસી) ડો. અસીમ વોરાએ જણાવ્યું હતું કે લંડનમાં સૌએ સાથે મળીને આ પહેલી વખત વૈશાખીની ઉજવણી કરી હતી. ૧૪ ગુરુદ્વારાએ પહેલી વખત સાથે મળીને લંગરનું આયોજન કર્યું અને આખો પ્રસંગ શાંતિપૂર્વક પૂરો થયો જે ઝીણવટભર્યું આયોજન દર્શાવે છે.
રોયલ આર્મી, નેવી, એરફોર્સ અને મેટ્રોપોલિટન પોલીસ શીખ એસોસિએશન, શીખ સ્કાઉટ્સ તેમજ ઘણી ચેરિચી સંસ્થાઓએ આ કાર્યક્રમમાં પહેલી વખત ભાગ લીધો હતો.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ આ કાર્યક્મના મીડિયા પાર્ટનર્સ હતા.