લંડનઃ ધ પંજાબી સોસાયટી ઓફ બ્રિટિશ આઈલ્સ દ્વારા શનિવાર ૧૬ સપ્ટેમ્બરે હંસલો ખાતે ૮૯મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૨૮માં સ્થાપિત સોસાયટીએ વાર્ષિક ચેરિટી ડિનર અને ડાન્સનું પણ આયોજન કર્યું હતું, જેમાં ડિમેન્શીઆ યુકે માટે ૩,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. વર્ષગાંઠની સાંજે ૩૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
સોસાયટીના જનરલ સેક્રેટરી પરાગ ભાર્ગવે આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું અને આટલા વર્ષો દરમિયાન સંસ્થાએ હાંસલ કરેલી સિદ્ધિઓ, તેના દ્વારા કરાતી સામાજિક અને કોમ્યુનિટી કામગીરી વિશે જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સુભાષ ચંદરે સોસાયટી દ્વારા નિયમિત સખાવતી દાન કરાય છે તેની માહિતી આપવા સાથે આ વર્ષે ડિમેન્શીઆ યુકે ચેરિટીને સપોર્ટ આપવાની વાત કરી હતી.
સંસ્થા દ્વારા આ વર્ષે સાંસદ મિસિસ સીમા મલ્હોત્રા અને લંડન એસેમ્બલીના મેમ્બર ડો. ઓંકાર સહોતાને ઓનરરી પેટ્રન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. પૂર્વ પ્રમુખ અને સોસાયટીના સક્રિય પેટ્રન અને સ્પેશિયલ એડવાઈઝર મિ. જી.એસ. ભલ્લાએ નવા પેટ્રન્સને આવકાર્યા હતા.
સોસાયટીએ બેન્કિંગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન તેમજ કોમ્યુનિટીને સમર્પિત સેવા બદલ પંજાબ નેશનલ બેન્ક (ઈન્ટરનેશનલ) લિમિટેડ યુકેના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મિ. અંતનુ દાસને ‘ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ એવોર્ડ એનાયત કર્યો કર્યો હતો. સંસ્થાએ પોતાના સભ્યો અને સમર્થક હંસલોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર મુકેશ મલ્હોત્રા, લોર્ડ અને લેડી શેખ તથા સાંસદ વિરેન્દ્ર શર્માનું પણ સ્વાગત કર્યું હતું.