છેલબટાઉ, નખરાળા, રમતીયાળ અને અસંખ્ય યુવતીઅોના દિલની ધડકન એવા પ્રિન્સ હેરી અને હોલિવૂડ અભિનેત્રી મેગન મર્કેલ તા. ૧૯મી મેના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. £૩૨ મિલિયનના ખર્ચે થનારા અને વર્ષના સૌથી મોટા ઐતિહાસીક લગ્નની તૈયારીઅો લગભગ પૂર્ણ થઇ રહી છે. કન્યાના મા-બાપ, વરના મામા-માસી અને કહોને સમાજ, ફિલ્મ, રમત ગમત અને કઇં કેટલાય ક્ષેત્રના ખાસ પસંદ કરાયેલા લોકોને નિમંત્રણો વહેંચાઇ ચૂક્યા છે. રાજકુમારના લગ્ન હોય અને કોઇ તૈયારીઅો ન હોય તેમ થોડું ચાલે.
બે વર્ષ પહેલા કદાચ કોઇએ કહ્યું હોત કે મહારાણીના સીધા વંશજના લગ્ન કોઇ શ્યામ વર્ણની મહિલાની દિકરી સાથે થઇ રહ્યા છે તો કદાચ તે કોઇ માની પણ ન શકે. પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક ક્ષેત્રે પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે તો પછી બ્રિટનની શાહી પરિવાર તેમાંથી કઇ રીતે બાકી રહી શકે! મહારાણી ક્વીન એલિઝાબેથે પણ ઉદાર થઇને પ્રિન્સ હેરીને "ખીલે બાંધી શકે" તેવી પાકટ મેગન પર પસંદગીને મહોર મારી તે કાંઇ અમસ્તુ જ નથી!
માતા ડાયેનાનું ખાસ પ્રભુત્વ
પ્રિન્સ હેરીએ એક વાતની ખાસ કાળજી રાખી છે કે આ લગ્ન થકી તેની દિવંગત માતા ડાયેનાને સર્વિસ દરમિયાન ખાસ યાદ કરવામાં આવે. પ્રિન્સ હેરી પોતાની મૃત માતાને આ રીતે સન્માનિત કરવા માંગે છે જે તેના માટે ખૂબજ મહત્વના છે. "પ્રિન્સ હેરી માને છે કે ડાયેના તેને ઉપરથી જોઇ રહ્યા છે અને આગળ વધવામાં મદદરૂપ થઇ રહ્યાં છે. પ્રિન્સ માને છે કે તેની માતા લગ્નમાં પણ હાજર રહેશે અને માસી જો રીડીંગ વાંચશે તો માતા ડાયેના ખૂશ થશે" એમ તેની બાયોગ્રાફી લેખીકા એન્જેલા લેવિન જણાવે છે. આ વિધી પ્રિન્સના બે પૈકીના એક માસી લેડી જેન ફેલોઝ કરશે. ડાયેનાના ભાઇ-બહેનો અર્લ સ્પેન્સર, લેડી સારાહ મેકકોર્કોડેલ અને લેડી જેન ફેલોઝ હાજર રહેશે. પ્રિન્સ હેરી આ રીતે માતા - પિતા બન્નેના પરિવારો વચ્ચેની ખટાશને દુર કરવા માંગે છે તેનું મહત્વ અોછુ આંકી શકાય નહિં.
લગ્નમાં અનોખી પરંપરા તૂટશે
આ શાહી લગ્નની કમનસીબી એ રહેશે કે મેગનના માતા પિતા પરંપરાને તોડીને અલગ અલગ વિધિમાં ભાગ લેશે. શ્રીમતી રગલેન્ડ મેગનને લઇને ચેપલ સુધી આવશે. આ વખતે મેગન અને શ્રીમતી રગલેન્ડને જોવા માટે હજ્જારો લોકો ઉમટી પડશે. તેઅો ચેપલ સુધી આવી પહોંચે પછી થોમસ મર્કેલ દિકરીને ચેપલમાં દોરી જશે.
પ્રિન્સ હેરીના સસરા અને મેગનના પિતા થોમસ મર્કેલ હજુ સુધી પોતાના ભાવિ જમાઇને મળ્યા નથી. પરંતુ થોડા જ દિવસોમાં તેઅો અહિં આવીને મહારાણી અને પ્રિન્સ હેરીના પરિવારજનોને મળશે. આજ રીતે મેગનની માતા ડોરીયા રગલેન્ડ પણ તેમના વેવાઇ પક્ષને મળશે. મેગન માત્ર બે વર્ષની હતી ત્યારે તેના માતા - પિતા અલગ થયા હતા અને પાંચ વર્ષમાં તેમણે ડીવોર્સ લઇ લીધા હતા. લોસ એન્જલસ ખાતે રહેતા સોશ્યલ વર્કર અને ૬૭ વર્ષના સુશ્રી રગલેન્ડ મેગનથી ખૂબ જ નજીક છે. પરંતુ ગયા વર્ષે જ બેન્ક્રપ્ટ થયેલ પિતા હાલ મેક્સીકોમાં સ્થાયી થયા છે. આ લગ્નમાં મેગનના અોરમાન ભાઇ-બહેનો કે અન્ય કાકા-મામાના પરિવારને નિમંત્રણ આપવામાં આવ્યાં નથી.
મહેમાનો માટે માર્ગદર્શીકા
વિન્ડસરના સેન્ટ જ્યોર્જીસ ચેપલ ખાતે થનારા લગ્ન અને તે પછી બપોરે થનારા રીસેપ્શન માટે ૬૦૦ મહેમાનો જ હશે. જ્યારે સાંજના ફ્રોગમોર હાઉસ ખાતે થનારા રિસેપ્શનમાં માત્ર ૨૦૦ જેટલા લોકો હશે જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો હશે. જે લોકોને નિમંત્રણ આપાયા છે તેમને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે કેમેરા, ભારે બેગ કે ગીફટ લઇને આવવાની તસદી ન લેતા. જ્યારે રીસેપ્શનના મહેમાનોને મોબાઇલ ફોન કે ફોટો લઇ શકાય તેવા સાધનો જમા કરાવી દેવાશે તેમજ જણાવ્યું છે. જે લોકો શાહી નવદંપત્તીને ગીફ્ટ આપવા માંગે છે તે સૌને કેન્સિંગ્ટન પેલેસનો સંપર્ક કરવા જણાવાયું છે. જો કે મેગન અને પ્રિન્સ હેરીએ સૌને નમ્ર વિનંતી કરી છે કે તેઅો ભેટ આપવાના બદલે પસંદગીની સાત ચેરીટીઝને દાન કરે.
દરેક મહેમાન પુરૂષોને તેમનો યુનિફોર્મ, મોર્નિંગ સ્યુટ કે લોંજ સુટ પહેરવા અને મહિલાઅોને ડે ડ્રેસ અને હેટ પહેરવા જણાવાયું છે. યુનિફોર્મ્ડ સેવાના અધિકારીઅોને મેડલ નહિં પહેરવા અને તલવાર સાથે ન આવવા જણાવાયું છે. આ સૂચનાઅો પાછળ સિક્યુરીટી સર્વિસની ભલામણો જવાબદાર હશે તેમ મનાય છે. દરેક મહેમાનોને વિન્ડસર કાસલથી ત્રણ માઇલ દૂર રોકી દેવાશે અને બધાના સિક્યુરીટી આઇડી ચેક કરીને બસમાં કાસલ સુધી લઇ જવાશે.
ભલભલાને નિમંત્રણ નહિં
પ્રિન્સ અને મેગન પોતાનાં લગ્નને અંગત રાખવા માંગે છે. તે કારણે જ તેમણે કોઇ પણ રાજકીય હસ્તીને આમંત્રણ ન આપવાનો નિર્ણય લીધો હતો. બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને શાહી પરિવારના ખાસ મનાતા ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ઓબામાને પણ આમંત્રણ અપાયું નથી.
હનીમુન હમણાં નહિં
પ્રિન્સ હેરી લગ્ન પછી તુરંત હનીમુન કરવા જનાર નથી, પણ તેઅો એક સપ્તાહ સુધી વિવિધ અધિકૃત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઅો લગ્નની રાત વિન્ડસર કાસલમાં જ વીતાવશે અને સંભવત: મહારાણી એલીઝાબેથ અને ડ્યુક અોફ એડિનબરા પણ ત્યાં જ રોકાશે. પ્રિન્સ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને પછી હનીમુન કરવા જશે.
સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે લગ્ન પછી બપોરે ૧ વાગ્યાથી વિન્ડસર હાઇ સ્ટ્રીટ અને તેની આજુબાજુના બે માઇલના વિસ્તારમાં ખુલ્લી બગીમાં ફરવાની ઇચ્છા વ્યક્ત કરતાં પોલીસ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. આ વિસ્તારમાં અસંખ્ય દુકાનો, ઘર, બાલ્કની સાથેના ફ્લેટ્સ વગેરે આવેલા હોવાથી લગભગ ૩,૦૦૦ જેટલી પોલીસ ખડકી દેવી પડશે. આતંકી હુમલા કે અન્ય હુમલાને ટાળવા માટે સ્પેશ્યલ ફોર્સીસના જવાનો હેરફર્ડમાં રીહર્સલ કરશે. ૪૦ જેટલા SAS સોલ્જર્સ, પોલીસ અધિકારીઅો, એન્ટી ટેરર કમાન્ડ, રોયલ પ્રોટેક્શન સ્કવોડના અધિકારીઅોએ લાઇટ રેજીમેન્ટના હેડક્વાર્ટર ખાતે મીટીંગ કરી હતી. ગત ગુરૂવારે પોલીસે કોવેન્ટ્રીમાંથી શંકાના આધારે આતંકી હુમલાના શકમંદને ઝડપી લીધો હતો. જાસુસી સંસ્થા Mi5 પણ આતંકી હુમલાની શંકા રાખે છે.