ભારતના અગ્રણી અખબાર 'ધ હિન્દુ'નું ૫૦ કરતા વધારે વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા પીઢ પત્રકાર બટુકભાઇ ગઠાણીનું ૮૨ વર્ષની વયે લંડનમાં ગયા અઠવાડિયે અવસાન થયું હતું. તેઅો ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્ય હતા અને ત્રણ વખત પ્રમુખ તરીકે સેવા આપી હતી.
કેન્યાના નૈરોબીમાં ૨૫ વર્ષની વયે પત્રકાર તરીકે જોડાયેલા બટુકભાઇ લંડનના સંવાદદાતા તરીકે ૭૫ વર્ષની વયે નિવૃત્ત થયા હતા. શ્રી ગઠાણીનો જન્મ તા. ૫ જાન્યુઆરી, ૧૯૩૫ના રોજ કેન્યાના નૈરોબીમાં થયો હતો. પરિવારમાં ચાર ભાઈઓ અને ચાર બહેનોમાં સૌથી મોટા બટુકભાઇના પિતા બચુલાલ ગઠાણી આયાત – નિકાસ અને જનરલ મર્ચેન્ડાઇઝ અને ક્રેડિટ રિપોર્ટિંગ ક્ષેત્રે સફળ કામગીરી કરી હતી. ત્યારે બે અખબારો કોલોનિયલ ટાઇમ્સ અને એક સ્વાહિલી અખબાર વિકો પણ પ્રકાશીત થતું હતું. બટુકભાઇ લેખક અને પછી મેનેજિંગ એડિટર તરીકે જોડાયા હતા. તેજ સમયગાળા દરમિયાન તેઅો યુનાઈટેડ પ્રેસ ઑફ ઈન્ડિયા (યુપીઆઈ)માં અને પછી 'ધ હિન્દુ'માં જોડાયા હતા.
એક એસાઇનમેન્ટ માટે બટુકભાઇ યુગાન્ડાના રાજકીય અગ્રણી ડૉ. મૂળજીભાઈ પટેલના ઇન્ટરવ્યૂ માટે ગયા હતા જ્યાં તેમની પુત્રી મિનલ પટેલની મુલાકાત થઇ હતી અને તેમણે ૧૯૬૩માં લગ્ન કર્યા હતા. બટુકભાઇએ પત્રકાર તરીકે પૂર્વીય આફ્રિકન દેશોના બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામેના સંઘર્ષ, કેન્યાની સ્વતંત્રતા, "આફ્રિકનિઝેશન"ની નિરંતર ઝુંબેશ, યુએન સેક્રેટરી જનરલ ડેગ હેમરસ્કજોલ્ડના વિમાન અકસ્માતમાં નિધન સહિત ઘણા બધા નોંધનીય સમાચારો કવર કર્યા હતા. બટુકભાઇએ "ધ હિન્દુ" વતી બેરુત, લંડન, બ્રસેલ્સમાં સેવાઅો આપી હતી. તેમણે આઇજેએના પ્રમુખ અને મંત્રી તરીકે યોજાયેલા ઔપચારિક ભોજન સમારંભોમાં એડવર્ડ હીથ સહિત ઘણા વરિષ્ઠ રાજકારણીઓનું સ્વાગત કર્યું હતું.
આજીવન પત્રકાર તરીકે સેવાઅો આપનાર બટુકભાઇ પત્ની મિનલ, પુત્ર, વિરલ અને પુત્રી તોરલને વિલાપ કરતા મૂકી ગયા હતા. શનિવાર તા. ૯ ડિસેમ્બરના રોજ ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટરિયમ, હૂપ લેન ખાતે તેમની અંતિમવિધિમાં યોજાઇ હતી. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ આપે એજ ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના. સંપર્ક: મિનલબેન ગઠાણી : [email protected]