અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત પાંચમી સપ્ટેમ્બરે યોજાઈ હતી. મહંત સ્વામી તથા ઓબામા વચ્ચે વૈશ્વિક હિંદુ આદર્શોના પ્રસારની તેમજ વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સંવાદિતાનું સંવર્ધન-મહત્ત્વની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત અમેરિકા તથા વિશ્વભરમાં ફેલાયેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરો વિશે વિમર્શ કરાયો હતો. બંને વચ્ચે બીએપીએસ તથા ઓબામા કેવી રીતે સમાજસેવકોની નવી પેઢીને તૈયાર કરીને સકારાત્મક કાર્યો કરી શકે તેની પણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત વખતે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના કન્વીનર ઈશ્વરચરણદાસ સ્વામી તેમજ વિરાટસ્વરૂપદાસ સ્વામી ઉપસ્થિત હતા. ઓબામા ફાઉન્ડેશન વતી બેન રોડ્સ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઓબામાને મહંત સ્વામીએ પુષ્પહાર પહેરાવ્યા પછી અમૃતકળશ અર્પણ કરીને સત્કાર્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજ સાથેના આધ્યાત્મિક અનુભવો વર્ણવતું ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ લિખિત પુસ્તક ‘ટ્રેન્સેન્ડન્સ’ અને જપમાળા પણ બરાક ઓબામાને ભેટ આપ્યાં હતાં. ઓબામા રાજકારણ ક્ષેત્રે નવી પેઢીને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યા છે એ જાણીને મહંત સ્વામી મહારાજ પ્રસન્ન થયા હતા.
ઓબામાએ બીએપીએસ મંદિરો દ્વારા થઈ રહેલી વિવિધ આધ્યાત્મિક અને સામાજિક સેવાઓને સરાહનીય ગણાવી હતી. તેમાંય બીએપીએસ મંદિરો દ્વારા થઈ રહેલી બાળ તથા યુવા સંસ્કાર પ્રવૃત્તિની તેમણે વિશેષ નોંધ લીધી હતી.
ઓબામાએ ભારતીય અમેરિકનો વિશે કહ્યું હતું કે, અન્ય સમુદાયોની જેમ ભારતીયો પણ અમેરિકન તરીકે અમેરિકાને પોતાની ભૂમિ માની રહ્યા છે. સાઉથ એશિયન્સની નવી પેઢીને જાહેરસેવામાં જોડવાની જરૂર છે. ઓબામાની વાત સાથે સંમત થતાં મહંત સ્વામીએ કહ્યું હતું કે, ‘દરેક આત્મા દિવ્ય છે.’ એ હિંદુ આધ્યાત્મિક સિદ્ધાંતને માનીએ તો દરેક વ્યક્તિની નિઃસ્વાર્થ સેવામાં ભક્તિ સમાયેલી છે.
ઓબામા સાથે હળવી પળો ગુજારતાં મહંત સ્વામીએ તેમને બિરદાવ્યા હતા કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ અને ટોચના રાજનેતા હોવા છતાં તેઓ ખાસ સમય ફાળવીને દર અઠવાડિયે પોતાના પરિવાર સાથે ઓછામાં ઓછું પાંચ વખત ડિનર લે છે અને પારિવારિક એકતાને મહત્ત્વ આપે છે. આ ઉપરાંત ઓબામા પોતાના ઓફિસ સ્ટાફના સભ્યોની પણ ખાસ સંભાળ લે છે એ વિનમ્રતા મહંત સ્વામીજીને સ્પર્શી ગયું હતું. મહંત સ્વામીજીએ બાળવયે શીખેલી જ્હોન બેનિયનની કવિતાની પંક્તિઓ ‘He that is down, need fear no fall. He that is low, no pride. He that is humble ever shall have God to be his guide.’ ઓબામાને સંભળાવીને તેમને બિરદાવ્યા હતા. મહંત સ્વામી મહારાજે વિદાય લીધી ત્યારે ‘જય સ્વામીનારાયણ’ કહીને ઓબામાએ તેમને વિશેષ આદર આપ્યો હતો.
રોબિન્સ વિલે અક્ષરધામમાં સ્તંભ પૂજનઃ શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા
પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતીમાં તા. ૩ અને ૪ સપ્ટેમ્બરે ન્યૂ જર્સીમાં આવેલા રોબિન્સ વિલે સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં સ્તંભ પૂજન, શિખરબદ્ધ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અભિષેક મંડપમ્ તથા શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ન્યૂ યોર્કમાં આવેલી હડસન નદીમાં પ્રમુખ સ્વામીજીના પવિત્ર અસ્થિઓનું વિસર્જન સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામીના હસ્તે કરાયું હતું. બીજી સપ્ટેમ્બરે નિર્જળા એકાદશીએ મહંત સ્વામી મહારાજે ભારતની ૧૦૮ પવિત્ર નદીઓનાં પવિત્ર જળના મિશ્રણથી ઘનશ્યામ મહારાજ પર જળાભિષેક કર્યો હતો.
આ પ્રસંગે ઇશ્વરચરણદાસ સ્વામી સહિત હજારો શુભચિંતકો અને હરિભક્તો આ કાર્યક્રમમાં હાજર હતાં. અક્ષરવત્સલ સ્વામીજીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે મહંત સ્વામી મહારાજે સ્તંભ પૂજનવિધિ કાર્ય સંપન્ન કર્યું હતું. ઘનશ્યામ મહારાજ અભિષેક મંડપમના ઉદ્ઘાટન પ્રસંગે ઘનશ્યામ મહારાજના જીવનના પ્રસંગો પર આધારિત ફિલ્મનું પ્રદર્શન પણ કરાયું હતું. અભિષેક મંડપમમાં ભગવાન સ્વામીનારાયણના બાળપણની ઘટનાને દર્શાવવા માટે ચાર વર્ષના ઘનશ્યામ મહારાજને પીપળાના વૃક્ષ પર ચડતા હોય તેવું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ મહારાજના બાલ્ય કાળના પ્રસંગો તેમજ હિન્દુ સંસ્કૃતિના પ્રસાર અંગે ભદ્રેશદાસ સ્વામી તથા આનંદસુરપુદાસ સ્વામીએ સભાને સંબોધન કર્યું હતું. તેમણે આ ઉજવણીનું મહત્ત્વ પણ હાજર હરિભક્તોને સમજાવ્યું હતું.