માન્ચેસ્ટરઃ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી પ્રસંગે ઐતિહાસિક માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આસ્થા અને પશ્ચાદભૂ સાથેના લોકો પ્રેમ, શાંતિ અને એકતાના સાર્વત્રિક મૂલ્યોને ઉજવવા અહીં એકત્ર થયા હતા. વિવિધ ધર્મ આધારિત સંસ્થાઓ, સરકારી અધિકારીઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અઆને જીવનના તમામ ક્ષેત્રોમાંથી વ્યક્તિઓની ઉપસ્થિતિ સાથે ઈન્ટરફેઈથ સર્વિસ ધાર્મિક સીમાઓ ઓળંગી ગઈ હતી.
આફ્રો-કેરેબિયન, ક્રિશ્ચિયન, હિન્દુ, જૈન, યહુદી, મુસ્લિમ, અને શીખ સમુદાયોના 350થી વધુ પ્રતિનિધિઓ માનવતાને એકસંપ બનાવતા પ્રેમ અને શાંતિનાં સામાન્ય ધાગાને પ્રકાશિત કરતી પ્રાર્થનાઓ અને મનોચિંતનો રજૂ કરવા એકત્ર થયા હતા. કામાણી પરિવાર દ્વારા તેમના દાદા ભાણજી ખાનજી કામાણી (1888 – 1979)ની સ્મૃતિમાં ઈન્ટરફેઈથ સર્વિસ સ્પોન્સર કરવામાં આવી હતી.
ગાંધીજીની ચિરસ્થાયી વિરાસતને આદરાંજલિ અર્પતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK)ની એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ આદિત વિરાણીએ જણાવ્યું હતું કે,‘ ધર્મ પ્રત્યે ગાંધીજીનો અભિગમ પ્રગતિશીલતા અને અન્ય ધર્મોમાંથી શીખવાની તીવ્ર ઈચ્છાથી પ્રદર્શિત થાય છે. આ જ વિલક્ષણતા તેમને માન્ચેસ્ટરની બહુસાંસ્કૃતિક અને બહુવંશીય કોમ્યુનિટી માટે અસામાન્ય આદર્શ બનાવે છે.’
ગ્રેટર માન્ચેસ્ટરના હાઈ શેરિફ મેરી-લિઝ વોકર JP DLએ જણાવ્યું હતું કે,‘ સમય ભલે અલગ છે પરંતુ, સામાજિક મુદ્દાઓ તો બદલાયા નથી. આમ છતાં, આપણે ગાંધીજીની વિરાસત અને તેઓ જીવતા હતા ત્યારે જે કરતા હતા તેને આગળ લઈ જઈ શકીએ છીએ. તેમના આદર્શો તમામ પેઢીઓના લોકોને આકર્ષિત કરતા રહે છે.’
લોર્ડ મેયર ઓફ માન્ચેસ્ટર કાઉન્સિલર યાસ્મિન ડારે જણાવ્યું હતું કે,‘આપણે બધા જ માનવ જાતના છીએ અને આપણે સાથે મળીને પરિવર્તનના નેતાઓ બનવું જોઈએ અને કોમ્યુનિટીઓને એક સાથે લાવે અને હિંસાનો અંત લાવે તેવા શાંતિના માર્ગ પર ચાલવું જોઈએ.’
માન્ચેસ્ટર કેથેડ્રલના ડીન રોજર્સ ગોવેન્ડર MBEએ જણાવ્યું હતું કે,‘તમામ માનવીઓના ગૌરવ અને અધિકારોની રક્ષા કરવી તે આપણી ફરજ છે તેમજ બાળકોમાં ઈશ્વરની જ છબી છે ત્યારે તેમની સંભાળ રખાય, તેમનો આદર કરાય અને સન્માન કરાય તેની ચોકસાઈ રાખવી જોઈએ.’
માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંમજલિ અર્પણ કરવા સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. આ પછી, ShowCaseUs દ્વારા સુમધુર પરફોર્મન્સ, ગ્રીનબેન્ક પ્રેપરેટરી સ્કૂલ કોઈર દ્વારા સુસંવાદી પ્રસ્તુતિ, લ્યુસી વેઈઘેની શક્તિશાળી સમર્પિતતા, તેમજ સાન્વી રેડ્ડી અને ઈમાની સોરેન-ફાહી દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા વાયોલિન અને વાયોલા પરફોર્મન્સ સહિત દિલને ડોલાવનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરાઈ હતી. ચિએડલ હુલ્મે સ્કૂલની 13 વર્ષીય છોકરીઓ દ્વારા ભાવવાહી નૃત્યકલાનું પ્રદર્શન તેમજ કૃષ્ણા પંચમતિઆ દ્વારા શ્રદ્ધાપૂર્ણ કથકનૃત્ય થકી પ્રેમ અને એકતાના સંદેશને મજબૂતી બક્ષવા સાથે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓની સમૃદ્ધનું પ્રદર્શન જોવાં મળ્યું હતું.
ઉપસ્થિત લોકોને ખુલ્લા, નિખાલસ વાર્તાલાપ અને ચર્ચાઓમાં જોડાવાની તક સાંપડી હતી જેના થકી, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન મળ્યું હતું. માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસને અભૂતપૂર્વ સફળતા સાંપડી હતી અને ઉપસ્થિત લોકોને પ્રેમ, શાંતિ અને એકતાનો વ્યાપક પ્રસાર હોય તેવા વિશ્વ માટે કાર્યરત રહેવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.