ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મેગેઝિનના સત્તાવાર લોન્ચિંગ અગાઉ વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં જોડાયા ત્યારે વાતાવરણ જીવંત અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકો દ્વારા દર વર્ષે પ્રકાશિત કરાતા FBI મેગેઝિનમાં વિવિધ પ્રકારની ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીસને આવરી લેવાય છે. બ્રિટન પર બ્રેક્ઝિટ વિષયક ચિંતાઓ તોળાઈ રહી છે ત્યારે થીમ આધારિત આ મેગેઝિનમાં અતિ મહત્ત્વપૂર્ણ વિષયો પર નાણાકીય વિશ્વના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ મનનીય લેખો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. યુકેમાં એશિયન કોમ્યુનિટીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાતા એકમાત્ર માન્ય ફાઈનાન્સ અને બિઝનેસ પબ્લિકેશન હોવાની વિશિષ્ટતા આ મેગેઝિન ધરાવે છે.
બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી લાંબી સેવા આપનારા એશિયન મૂળના સાંસદ કિથ વાઝ મેગેઝિનના લોન્ચિંગમાં ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ સાથે જોડાયા હતા અને તેમણે સાપ્તાહિકો અને તેના તંત્રીનો પરિચય આપ્યો હતો.
આ સમારંભના ચીફ ગેસ્ટ અને હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર માઈકલ એલિસે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના એશિયન કોમ્યુનિટીને અનન્ય પ્રદાન અને ડાયસ્પોરાની પ્રગતિ સાધવા તરફની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે,‘મને ખબર છે કે ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ૪૫ વર્ષ જૂના છે અને હજુ પણ આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પર્સનાલિટી સી.બી. પટેલ તેના પ્રણેતા છે. તેમના વિશે અહોભાવપૂર્વક વાત કરનારા ઘણા લોકોને હું ઓળખું પણ છું. તેઓ માત્ર એશિયન કોમ્યુનિટીમાં જ નહિ સમગ્ર દેશમાં પણ લોકપ્રિય છે અને તેમના અથાક કાર્યને હું બિરદાવું છું.’
બેન્ક ઓફ બરોડાના યુરોપિયન ઓપરેશન્સના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ધીમંત ત્રિવેદીએ કોમ્યુનિટી સંવાદિતાના ઉદાહરણીય આદર્શ અને અવિરત માર્ગદર્શક બની રહેવા બદલ ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ નો આભાર માની બેન્ક ઓફ બરોડાની નવી ઈનિંગ્સ તરીકે યુકેમાં સ્થાનિક બેન્કના ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે ખાતરી ઉચ્ચારતા કહ્યું હતું કે નવી બેન્ક ભારતીય સત્તાવાળાની માલિકીની હોવા સાથે યુકેમાં રજિસ્ટર્ડ લોકલ બેન્ક તરીકે કાર્ય કરશે. બેન્ક ઓફ બરોડા ભારતીય ઓપરેશનની સબસિડિયરી તરીકે યુકેમાં ૬૦ વર્ષથી કાર્યરત છે અને સ્થાનિક બેન્ક ખોલવાનું આ કદમ ભારતીય બેન્કિંગ ઈન્ડસ્ટ્રી અને યુકે-ભારત સંબંધોના ભાવિ તરફ મહાન પહેલ સમાન સાબિત થશે. હાલમાં બેન્ક ઓફ બરોડા ભારતની બહાર ૨૪ દેશમાં ૧૦૭થી વધુ બ્રાન્ચ ધરાવે છે.
લંડનના વર્તમાન ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ દ્વારા ૨૦૦૫માં સ્થાપના કરાયેલી કંપની Rational FXને ફોરેક્સ ‘કંપની ઓફ ધ યર’નો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીના સીઈઓ અને સહસ્થાપક પરેશ દાવદ્રા આ એવોર્ડ મેળવવા ઉપસ્થિત રહ્યા હતા.
બીજો એવોર્ડ ‘મોર્ગેજ બ્રોકર ઓફ ધ યર એવોર્ડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. મેજર એસ્ટેટ્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને મેજર એસ્ટેટ્સ સેલ્સ એન્ડ લેટિંગ્સના દિનેશ સોનછત્રાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રીજો ‘ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન ઓફ ધ યર’ કેટેગરીનો એવોર્ડ HBFSના મેનેજિંગ ડિરેક્ટર ફ્રેડી ડેવિડ અને કિશન દેવાણીને એનાયત કરાયો હતો.
આ સાંજના ઉદ્ઘોષક તરીકેની જવાબદારી કિંગ્લી કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ટ્રેડિંગ સ્ટ્રેટેજિસના વડા રાકેશ શાહે સુપેરે નિભાવી હતી.
૦૦૦૦૦૦૦
એફબીઆઇ વિશેષાંકનું વિમોચન કરતા સંજય અગ્રવાલ (બેન્ક ઓફ બરોડાના યુરોપિયન ઓપરેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ), ધિમંત ત્રિવેદી, ચિફ ગેસ્ટ માઇકલ એલિસ, એમપી, સીબી પટેલ અને કિથ વાઝ, એમપી
૦૦૦૦૦૦
રાકેશ શાહ, કિંગ્લી કેપિટલ
૦૦૦૦૦
પરેશ દાવદ્રા (Rational FX)ને એવોર્ડ એનાયત કરતા માઇકલ એલિસ
૦૦૦૦૦૦
દિનેશ સોનછત્રા (મેજર એસ્ટેટ્સ)ને એવોર્ડ એનાયત કરતા માઇકલ એલિસ
૦૦૦૦૦
ફ્રેડી ડેવિડ (HBFS) અને કિશન દેવાણી (HBFS)ને એવોર્ડ એનાયત કરતા માઇકલ એલિસ