લંડનઃ માનીતી ચેરિટી સંસ્થા ફૂડ ફોર લાઈફ વૃંદાવન (FFLV)ને ભરપૂર સપોર્ટ આપવા સાથે મહેનતપૂર્ણ કામગીરી બજાવનારા સમર્થકોનો આભાર માનવા, કદર કરવા અને મનોરંજન કરવાનો કાર્યક્રમ ૧૭ નવેમ્બરે રાયસ્લીપના ખાતે યોજાયો હતો, જેમાં ૨૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વૃંદાવનમાં કાર્યરત આ ચેરિટી સૌથી ગરીબ કોમ્યુનિટીઝની છોકરીઓ અને તેમના પરિવારોને શિક્ષણ આપી સક્ષમ બનાવવાનું કામ કરે છે. યુકેના અભિનેતા અને સેવારત ટ્રસ્ટી રવિન જે ગણાત્રાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રવિને યુવા બાળાઓને સપોર્ટ કરવા અને તેમને શિક્ષણ, ખોરાક, વસ્ત્રો અને તબીબી સંભાળ આપી તેમના જીવનમાં આશા જગાવવાનું કાર્ય કરતી સુસંચાલિત ચેરિટી વિશે સમજાવ્યું હતું. બાળકીઓનેઅસ્ક્યામત નહિ પરંતુ જવાબદારી ગણવામાં આવે છે તેવા સામાજિક ધોરણોને પડકારી તેની સ્થિતિ બદલવામાં આ ચેરિટી કારણરુપ બની છે.
FFLV Ukના ચેરમેન આશિષ બી. પરમારે કહ્યું હતું કે વૃંદાવનના સ્થાનિક ગામોમાં કેટલાક રહેવાસીઓ દારુણ ગરીબીમાં જીવે છે. FFLVના સંકળાયા પછી કોમ્યુનિટીઓને બાળાઓને શિક્ષણ અને તેના પરિણામે આવતી સક્ષમતાનું મહત્ત્વ સમજાયું હતું. હવે તેઓ ગેરકાયદે અને છોકરીઓના ભાવિને અંધકારમય બનાવતા સામાજિક ધોરણો મુજબ નાની વયથી છોકરીઓનાં લગ્ન કરાવી દેવાના બદલે યુનિવર્સિટીમાં અભ્યાસ સહિતના શિક્ષણના અધિકારને સ્વીકારતા થયા છે.
કાર્યક્રમાં ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ ફિન્ચલીના પ્રફુલ પટણીએ તેમના અગાઉના એક કાર્યક્રમમાં એકત્ર કરાયેલા ૪૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગત ૨૫ વર્ષથી FFLVના પ્રોજેક્ટ્સમાં સાથ-સહકાર આપી રહેલા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સહિત સંસ્થાઓ અને ડઝનબંધ વ્યક્તિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તાજેતરના વર્ષોમાં માઉન્ટ કિલિમાંજારો, લડાખ (હિમાલય)માં સ્ટોક કાંગરી તેમજ ભારતમાં ત્રણ વ્હીલના ટુક ચેલેન્જના કેટલાક જોખમી અને દિલધડક સાહસોને સફળ બનાવનારા વ્યક્તિજૂથોના પ્રયાસોનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્તબદ્ધ જૂથોએ તેમના સાહસો દરમિયાન ચેરિટી માટે ૧૭૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી.
ભોજનનો રસાસ્વાદ માણતા ઓડિયન્સે ચેરિટીના સ્થાપક રુપા રઘુનાથ દાસને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેમણે પ્રેરણાદાયી પ્રવચનમાં ગત ૨૫ વર્ષમાં ચેરિટીની પ્રગતિનો ચિતાર આપવા સાથે શાળાઓમાં બાળાઓને સ્થાન આપવા અને તેમને સપોર્ટ કરવા સ્પોન્સરશિપ કાર્યક્રમની જરુરિયાત વિશે જણાવ્યું હતું.
પૂર્વ સ્કૂલ્સ ઈન્સ્પેક્ટર અને નવનિયુક્ત ટ્રસ્ટી કૌશી સિલ્વાએ The FFLV Ambassador વિચારને વહેતો મૂક્યો હતો. જેના દ્વારા FFLVના વર્તમાન સમર્થકોને ચાઈલ્ડ સ્પોન્સરશિપ માટે નવા દાતાઓ લાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાંજે એપિકાડાન્સ ટ્રુપ દ્વારા નૃત્યો, અને ડીજે દ્વારા સંગીતના સથવારે વોઈસ ૨૦૧૫ના સેમી ફાઈનાલિસ્ટ વિકેશ ચાંપાનેરીએ મનોરંજન પુરું પાડ્યું હતું. FFLVવિશે વધુ માહિતી જાણવા www.uk.fflv.org ની મુલાકાત લેશો. ભારતના વૃંદાવનમાં ગરીબ બાળાને સ્પોન્સર કરીને તેના જીવનમાં પરિવર્તનની લહેર લાવવામાં મદદ કરશો.