તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ભક્તિ વેદાંત મેનોર (યુકે) મંદિરના પ્રમુખ પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસ બકિંગહામ પેલેસ ખાતે મહારાણી એલિઝાબેથ મળ્યા હતા અને કૃષ્ણા અવંતિ સ્કૂલની તેમની મુલાકાત અને ભગવાન ચૈતન્ય દ્વારા અપાયેલી ટેપેસ્ટ્રીની ભેટ બાબતે ચર્ચા કરી હતી. શ્રી શ્રુતિ ધર્મ દાસ પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ અોફ કોર્નવોલ કેમિલા પાર્કર બાઉલને પણ મળ્યા હતા. શ્રુતિ ધર્મ દાસ બ્રિટીશ કોમનવેલ્થના દેશોના ખાસ પસંદ કરાયેલા મહાનુભાવોની સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
મહારાણી એલિઝાબેથે ૨૦૧૫માં કૃષ્ણા અવંતિ સ્કૂલની મુલાકાત લીધી હતી તે બાબતે શ્રી શ્રુતીજી સાથે ચર્ચા કરી જણાવ્યું હતું કે વર્ષો અગાઉ ભગવાન ચૈતન્ય દ્વારા ભેટ તરીકે અપાયેલી ટેપેસ્ટ્રી હાલમાં પેલેસની દિવાલ પર લટકાવાઇ છે. મહારાણીને આટલી જુની વાત પણ યાદ છે તે જાણીને સૌને આનંદ થયો હતો.
પૂ . શ્રી શ્રુતિ ધર્મ દાસજીએ ભક્તિવેદાંત મેનોર ખાતે કરવામાં આવતી ઓર્ગેનિક ખેતી અને અને અન્ય પ્રવૃત્તિઓ વિશે પ્રિન્સ ચાર્લ્સ સાથે વાત કરી હતી. ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા પાર્કર બાઉલ્સ પણ ઇસ્કોનના માનવતાવાદી કાર્યોથી ખાસ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે પૂ. શ્રી શ્રુતિજીની મુલાકાત વડાપ્રધાન થેરેસા મે અને વિદેશ મંત્રી બોરિસ જ્હોન્સન સાથે પણ થઇ હતી. બોરિસે પોતાના વિદ્યાર્થી કાળના દિવસો યાદ કરી તેઓ ઇસ્કોન-લંડન મંદિરની મુલાકાત લેતા હતા અને ખાસ શાકાહારી લંચ લેવા જતા હતા તેમજ હરે કૃષ્ણ મંત્ર પણ શીખે છે. બોરીસે કેટલોક પ્રસાદ પાર્લામેન્ટ ખાતે મોકલવા અને શૈલેષ વારા, એમપીને મેનોરની ખાસ મુલાકાતનું આયોજન કરવા માટે વિનંતી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસની બીમારી અંગેના સમાચાર (ગુજરાત સમાચાર તા. ૨૮-૪-૨૦૧૮ – પાન નં. ૪ અને એશિયન વોઇસ પાન નં. ૨) વાંચીને સંખ્યાબંધ વાચકોએ ચિંતા વ્યક્ત કરતા સંદેશા પાઠવ્યા હતા. શ્રુતીજી અત્યારે સુયોગ્ય સારવાર લઇ રહ્યા છે અને આ તબક્કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કે શ્રુતિજીને તંદુરસ્ત દિર્ઘાયુ બક્ષે અને તેઅો આપણા સમુદાયની વધુ સારી સેવા કરી શકે.