બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતીની સંયુક્ત ઉજવણી

Wednesday 17th April 2019 03:23 EDT
 
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહ અને લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ અન્ય મહાનુભાવો સાથે.
 

લંડનઃ લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહે લંડનમાં આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે લોર્ડ બસવેશ્વરા અને ડો. આંબેડકરને અંજલિ અર્પણ કરી હતી.

લંડનના લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ દ્વારા લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નોન-પ્રોફિટ ફાઉન્ડેશન બસવેશ્વરા પ્રતિમા અને આસપાસના વિસ્તાર પર બૌદ્ધિક સંપદા અધિકાર ધરાવે છે. આ પ્રસંગે ડો. પાટિલે જણાવ્યું હતું કે,‘ આપણે બસવેશ્વરા અને ડો. આંબેડકરને સંયુક્ત અંજલિ અર્પણ કરી રહ્યા છીએ કારણકે તેઓ બન્ને આદર્શવાદી સંબંધ ધરાવે છે. તેઓ બંનેએ જ્ઞાતિ ભેદભાવ અને લૈંગિક અસમાનતાનો વિરોધ કર્યો હતો.’

બસવેશ્વરાએ ૧૨મી સદીમાં ‘લોકશાહી’ના વિચારને વહેતો કર્યો હતો, આંબેડકર ભારતીય લોકશાહી અને બંધારણના ઘડવૈયા હતા. તેઓ બંને સ્વતંત્રતા, વાણીસ્વાતંત્ર્ય અને માનવ અધિકારોના હિમાયતી હતા. ભારતીય સમુદાયના સભ્યોએ પ્રતિમાસ્થળે જ્ઞાતિ ભેદભાવના વિરોધના શપથ લીધા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ની ૧૪ નવેમ્બરે લંડનમાં બસવેશ્વરાની પ્રતિમા અને આંબેડકર હાઉસનું અનાવરણ કર્યું હતું. આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે નિર્મિત બસવેશ્વરાની પ્રતિમા યુકેમાં ભારતીય વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલી સર્વપ્રથમ પ્રતિમા છે એટલું જ નહિ, બ્રિટિશ કેબિનેટ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટની આસપાસ મંજૂર કરાયેલી સર્વપ્રથમ વૈચારિક પ્રતિમા છે. લંડનના કેમડેન બરો (૧૦, કિંગ હેન્રી‘સ રોડ, લંડન NW3 3RP)માં આવેલા આંબેડકર હાઉસને મહારાષ્ટ્ર સરકારે ખરીદી તેને મ્યુઝિયમમાં રુપાંતરિત કર્યું છે. લંડનમાં ઉચ્ચ અભ્યાર્થે આવેલા આંબેડકર ૧૯૨૧-૧૯૨૨ના ગાળામાં આ સ્થળે રહેતા હતા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter