લંડનઃ બેરોનેસ શ્રીલા ફ્લેધરના અંતિમ સંસ્કાર અને તેમના જીવનની અનોખી ઉજવણી 2024ની 22 માર્ચે ઈસ્ટ હેમ્પસ્ટીડ પાર્ક ક્રીમેટોરિયમ, બ્રેકનેલ ખાતે યોજવામાં આવ્યા હતા. બેરોનેસ ફ્લેધરને ‘રીમેમ્બરિંગ શ્રીલા ફ્લેધર’ દ્વારા અનોખી અને વિશિષ્ટ સ્મરણાંજલિ અર્પવામાં આવી હતી.
બેરોનેસ શ્રીલાના જીવનને સાંકળતી તસવીરો, વાચનપાઠ, સ્મરણિકાઓ અને સંગીતની સાથે ગીતાંજલિ, લેટ મી ગો, મેન્ટલ ફ્લાઈટ, રાગ ભીમપલાસી અને હનુમાન ચાલીસાના અંશો રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર પૌલ ફ્લેધરે બેરોનેસના જીવનનાં પ્રારંભિક સ્મરણોની રજૂઆત કરી હતી જ્યારે તેમના નાના પુત્ર માર્કસ ફ્લેધરે ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું પઠન કર્યું હતું. અર્લ (ફ્રેડી) હોવે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ કરણ બિલિમોરીઆ, લોર્ડ જીતેશ ગઢિયા, બેરોનેસ ઉષા પ્રાશર, થેરેસા મે MP અને સીબી પટેલ સહિત અગ્રણી મહાનુભાવો બેરોનેસ શ્રીલા ફ્લેધરને આદરાંજલિ અર્પવા ઉપસ્થિત રહ્યા હતા.