આફ્રિકામાં જે સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી એની પરંપરા અા પશ્ચિમની ભૂમિ પર પણ ચાલુ રહે, એકબીજા સાથે સંપર્ક રહે, આત્મીયતા વધે એવા આશયથી અત્રે આવેલા આપણા સમાજના પીઢ કાર્યકરોએ અહીં આવી સૌ પહેલાં પોતપોતાના વર્તુળના સમાજોની રચના કરી, અલગ અલગ સંપ્રદાયોમાં સત્સંગ વધે એ આશયથી મંદિરો, ટ્રસ્ટોની રચના કરી, અત્રે આપણા હક્કો અને સરકારી બેનિફિટમાં માર્ગદર્શન મળે એ આશયથી સરકાર માન્ય સંગઠનો રચાયા. આજે બ્રિટનભરમાં આપણી વસાહતની સંખ્યાબંધ સંસ્થાઓ, સંગઠનો, ચેરિટી ટ્રસ્ટો, ઓર્ગેનાઇઝેશનો કાર્યરત છે. આ તમામ સંસ્થાઓ, સંગઠનો, ઓર્ગેનાઇઝેશનો, ચેરિટી ટ્રસ્ટો, સંપ્રદાયો એ દરેકની રચનાના પાયામાં રસપ્રદ ઇતિહાસ સમાયેલો છે.અમે આ તમામ સંસ્થાઓ, સંગઠનો, ટ્રસ્ટો અને સંપ્રદાયોનો ઇતિહાસ રજૂ કરવા કટિબધ્ધ બન્યા છીએ. "બ્રિટનમાં આપણી સંસ્થાઓ" વિષેના A4 Sizeના આ ખાસ વિશેષાંકમાં અમે દરેક સંસ્થાઓ, ટ્સ્ટો, સંગઠનોની રચનાના પાયામાં કોનું કેટલું અનુદાન રહ્યું છે, એ સંસ્થાઓના પ્રમુખો, નેતાઓ અને એમના પીઠબળ સમી સક્રિય સમિતિ વિષે પણ અમે જાણકારી મેળવી એમની કામગીરીને બિરદાવવા માગીએ છીએ.અાપણી સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શેક્ષણિક સંસ્થાઓ-સંગઠનો થકી જ આપણા સમાજનો પાયો મજબૂત બન્યો છે. પશ્ચિમના પરિસરમાં ઉગતી આપણી નવી પેઢીને ભારતીય અસ્મિતા અને સંસ્કારોનું સિંચન આપણી સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઅો દ્વારા જ થઇ શકે. આવી આપણી સંસ્થાઓનો પરિચય અમે આ વિશેષાંકમાં રજૂ કરવા જઇ રહ્યા છીએ.સૌ સંસ્થાઓ તથા સંગઠનોના અગ્રણીઓ, મુખ્ય સૂત્રધારોએ તા. ૮ જુલાઇ ૨૦૧૬ સુધીમાં એમની તમામ વિગતો મેનેજીંગ એડિટર કોકિલા પટેલને મોકલી આપવા વિનંતી. વધુ વિગત માટે સંપર્ક: કોકિલા પટેલ 07875 229 177; 0207 749 4080