લંડનઃ કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે કે ભક્તિવેદાંત મેનોર (ધર્મમાર્ગ, વોટફર્ડ, WD25 8EZ) ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે રદ જાહેર કરાયા હતા. અગાઉ સંસ્થાના એક સભ્યને કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સેવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અગાઉ ભક્તો અને મુલાકાતીઓના આરોગ્યની સલામતી-તકેદારીરૂપે મંદિર અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ મંદિર ખાતે પૂર્વ આયોજીત કાર્યક્રમો (શ્રી કૃષ્ણ હવેલીનું લોકાર્પણ, ગુરુ પૂર્ણિમા મહોત્સવ વગેરે) મોકૂફ રખાયા હતા. સમગ્ર મંદિરની પૂર્ણ સફાઈ થઇ જતાં હવે ભક્તો માટે ૧૧ માર્ચથી મંદિર ફરી ખુલ્લું મૂકાયું છે.