લંડનઃ યુકેના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં સ્થાન ધરાવતા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ ટેમ્પલ ખાતે રવિવાર ૨૨ ઓક્ટોબરે પ્રાકાશના હિન્દુ ઉત્સવ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવા દેશભરમાંથી ૧૫,૦૦૦થી વધુ લોકો ઉમટ્યાં હતાં. આનંદ અને ઉત્સાહના આ પ્રસંગે તમામ મુલાકાતીઓને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસાયું હતું. ભારતીય નાટકો અને પરંપરાગત નૃત્યોની રજૂઆત, ફેસ પેઈન્ટિંગ, મહેંદી અને સાંજના ૬.૩૦ કલાકે ભવ્ય આતશબાજીના કાર્યક્રમોથી મુલાકાતીઓ ખુશ થયાં હતાં.
હર્ટફોર્ડશાયરમાં આવેલા ભક્તિવેદાંત મેનોરમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીનું સુંદર મંદિર છે. મંદિરને સજાવવા સપ્તાહોથી તૈયારી ચાલતી હતી. હજારો ભક્તો અને મુલાકાતીઓ દર્શન કરવા આ ઉત્સવ પ્રસંગે અહીં આવી પહોંચે છે. મંદિર દ્વારા ઓગસ્ટ મહિનામાં ભગવાન કૃષ્ણના જન્મદિને જન્માષ્ટમીના મેળા પછી બીજા સૌથી મોટા ઉત્સવ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન વૈવિધ્યપુર્ણ સમાજમાં આ તહેવાર પ્રેમ, એકતા અને શાંતિના મહત્ત્વનો સંદેશ લાવે છે.
ભક્તિવેદાંત મેનોર ટેમ્પલના પ્રમુખ શ્રુતિધર્મા દાસે જણાવ્યું હતું કે,‘પરંપરાગત રીતે દિવાળી પરિવારોને સાથે લાવવાનો તહેવાર છે, જે આપણને દાન આપવા, ક્ષમા અને વિનમ્રતા સાથે આભારી બનવાની તક આપે છે. આ સમયે આપણે જે લોકો આપણા કરતા વધુ જરુરિયાતમંદ લોકોને મદદ કરવાનું વિચારીએ છીએ. અન્ય લોકોને ક્ષમા આપવાથી નવા આરંભની તક સાંપડે છે. ભક્તિવેદાંત મેનોરની દિવાળીની ઉજવણીઓ યાદગાર બની રહે છે. મેનોરની પ્રસિદ્ધ ઈમારતને ઝળાંહળાં કરતી આતશબાજી આ સુંદર ઉત્સવને વધુ સ્મરણીય અને આકર્ષક બનાવે છે. મિત્રો, પરિવારજનો અને બાળકો સાથે ઉત્સવની ઉજવણી યાદગાર બની રહેશે.’