લંડનઃ ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ સ્વરાજ પોલ, સાંસદો વિરેન્દ્ર શર્મા અને રિશિ શૌનક, અક્ષતા મૂર્તિ શૌનક તેમજ હેમરસ્મિથ અને ફુલહામના મેયર કાઉન્સિલર ડેરિલ બ્રાઉન સહિતના મહાનુભાવો અને બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના અગ્રણી સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામે મુખ્ય પ્રવચન કરતાં ભારતીય કોમ્યુનિટી દ્વારા ભવન સંસ્થાને અપાયેલાં સમર્થનને આવકાર્યું હતું તેમજ દીવાળી જેનું પ્રતીક છે તેવાં પરિવાર, સમાજ અને પ્રકાશના મૂલ્યો પ્રત્યે ભવનની સુદીર્ઘ નિષ્ઠાની કદર કરી હતી. યુકેમાં પ્રથમ જાહેર સંબોધનમાં હાઈ કમિશનરે જણાવ્યું હતું કે,‘આવાં મૂલ્યો (અશુભ પર શુભના વિજય)ને મૂર્તિમંત કરવામાં ભવન કરતાં વધુ સારી સંસ્થા કઈ હોઈ શકે!’ દીવાળીની ઉજવણીનાં આનંદી માહોલમાં હાઈ કમિશનરે અત્યાર સુધી છ ગોલ્ડ મેડલ્સ મેળવનારી એક માત્ર ભારતીય મહિલા બોક્સર મેરી કોમને છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતવા અંગે અભિનંદન પાઠવવાની તક પણ ઝડપી લીધી હતી.
ભારતની બહાર ભારતીય શાસ્ત્રીય કળાઓ અને સંસ્કૃતિનાં સૌથી મોટાં કેન્દ્ર ભવન દ્વારા તેની ૪૦મી વર્ષગાંઠ પણ ઉજવાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને ગુરુઓ દ્વારા કથક અને ભરતનાટ્યમ સહિત મૌલિક ભારતીય શાસ્ત્રીય નૃત્યોની વિશાળ રેન્જની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સંસ્થા દર વર્ષે વ્યક્તિઓ અને કોર્પોરેટ દાનની ઉદાર સરવાણી થકી ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે. ભારતની સમૃદ્ધ કળા અને સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવા માટે કટિબદ્ધ આ ચેરિટીની પ્રવૃત્તિઓને જાળવવાં તેમજ લંડનમાં સહુ માટે સમગ્ર વર્ષ દરમિયાન વર્ગો અને કાર્યક્રમોના આયોજન માટે આ ટેકો મહત્ત્વપૂર્ણ બની રહે છે.
સંસ્થાના ચેરમેન શ્રી જોગિન્દર સંગરે જણાવ્યું હતું કે,‘ ભવન કોમ્યુનિટીને દરરોજ સર્જનાત્મકતા, કળા અને મૂલ્યો પ્રદાન કરવા માટે સતત પ્રયાસશીલ રહે છે. આ કાર્ય અમારા પેટ્રન્સ, ગુરુઓ, વિદ્યાર્થીઓ અને દર્શકગણ વિના શક્ય બની ન શકે.’
ભવન્સની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડો. સુરેખા મહેતા આ વર્ષના અભિયાનને આગળ વધારનારું બળ હતાં, જેમાં ભવનના સ્ટાફ અને સ્વયંસેવકોએ સબળ સાથ અને સહકાર આપ્યો હતો.