બ્રિટનવાસી ગુજરાતી સમુદાયના સંગઠનોમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાદરણ બંધુ સમાજ (BBS-UK)ના યજમાનપદે આગામી રવિવાર - છઠ્ઠી નવેમ્બરે છ ગામ નાગરિક મંડળ-યુકેના વાર્ષિક મિલન સમારંભનું આયોજન થયું છે.
ગીત-સંગીત અને મનોરંજનના ત્રિવેણીસંગમની સાથે સાથે લિજ્જતદાર સ્વાદિષ્ટ ભોજન માણવાનો સોનેરી અવસર આપતા આ શાનદાર મેળાવડામાં હાજરી આપવા તમામ ભાદરણવાસીઓને તેમજ છ ગામના સભ્યોને - પરિણીત બહેનો અને દીકરીઓના કુટુંબ સહિત - સમસ્ત પરિવાર સાથે ઉપસ્થિત રહેવા સંસ્થાના હોદ્દેદારોએ હાર્દિક આમંત્રણ આપ્યું છે. છ ગામ નાગરિક મંડળ-યુકેના સભ્યોમાં ભાદરણ બંધુ સમાજ (BBS-UK) ઉપરાંત ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL), કરમસદ સમાજ-યુકે, નડિયાદ નાગરિક મંડળ (NNM), સોજિત્રા સમાજ (યુકે) અને વસો નાગરિક મંડળ-યુકેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે છ ગામ નાગરિક મંડળના નેજામાં યોજાતા આ રંગારંગ વાર્ષિક મેળાવડાની સહુ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. BBS-UKના પ્રેસિડેન્ટ બિમલભાઇ આર. પટેલ અને જનરલ સેક્રેટરી નિરુપાબહેન એન. પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષે અમે તમામ છ ગામને આ વિશેષ અને મનોરંજક કાર્યક્રમમાં આવકારતાં અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.
યાદીમાં જણાવાયું છે તે પ્રમાણે, છઠ્ઠી નવેમ્બરે બપોરે 2.00 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે, અને 9.00 વાગ્યે સમાપન થશે. જેમાં,
• બપોરે 2.00થી 4.00 સ્ટાર્ટર સાથે આવકાર અને અભિવાદન.
• સાંજે 4.00થી 6.30 એનાઉસમેન્ટ અને બાદમાં સાંસ્કૃતિક નૃત્ય અને મનોરંજક કાર્યક્રમ
• સાંજે 6.30થી 7.00 એજ્યુકેશન એવોર્ડ વિતરણ અને
• સાંજે 7.00 થી 9.00 ડીનર
• સ્થળઃ વોટર્સમીટ થિયેટર, હાઇ સ્ટ્રીટ રિકમન્સવર્થ WD3 1HJ
એજ્યુકેશન એવોર્ડ મેળવવા માટે GCSE, A-Levels, ડિગ્રી, માસ્ટર્સ અને પીએચડીધારક વિદ્યાર્થીઓએ આ વાર્ષિક મેળાવડામાં ઉપસ્થિત રહેવું જરૂરી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આપ સહુને સંસ્થા અને સમાજના સમાચાર, કાર્યક્રમો અને પ્રવૃત્તિની માહિતી નિયમિત મળતાં રહે તે માટે BBS-UK સતત પ્રયત્નશીલ છે. છેલ્લા કેટલાક સમયમાં પોસ્ટલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સંસ્થાએ હવે આપ સહુને ઇ-મેઇલ દ્વારા માહિતી મોકલવા આયોજન કર્યું છે. ઇ-મેઇલ એડ્રેસ માટે નિયત ફોર્મ મેળવવા નિરુપાબહેન પટેલનો સંપર્ક સાધવા અનુરોધ છે.
વધુ વિગત માટે જૂઓઃ www.bhadran.com