હિન્દુસ્તાની ક્લાસિકલ અને હળવા સંગીતના પાઠ શીખવતી સ્કુલ, ‘સંગીત વિદ્યા પ્રોગ્રેશન’ એ ભારતના પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી, શનિવારે સૂરીલી સંધ્યાનું આયોજન રેનર્સલેનમાં આવેલ તીથે ફાર્મ સોશિયલ ક્લબ ખાતે કર્યું હતું.
‘મેરે દેશકી ધરતી સોને ઉગલે, ઉગલે હીરે મોતી’થી માંડીને ‘અય મેરે વતનકે લોગો, જરા આંખમેં ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની’. જેવા ગીતો સહિત ભજનો અને ગુજરાતી ગીતોથી સમગ્ર માહોલ ભારતીયતાના રંગે રંગાઇ ગયો હતો. નવ વર્ષની નવોદિત કલાકાર સહિત નવ કલાકારોએ એમની ગાયકીથી શ્રોતાજનોના દિલ જીતી લીધાં. આ સંધ્યાની ખૂબી એ હતી કે, હાથમાં કોઇપણ નોટ રાખ્યા વિના તેમણે સંખ્યાબંધ ગીતોની સૂરીલી રસલ્હાણ કરી ગુરુજી ચંદ્રકાન્તભાઇ એન્જીનીયરની શાન વધારી હતી.