ભારત વેલ્ફેર ટ્રસ્ટ લેસ્ટર (યુકે) અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન (ભારત) દ્વારા સંયુક્ત નેજા હેઠળ લંડનના હરીબેન બચુભાઇ નાગરેચા હોલમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિ અને રામ નવમીના પાવન અવસરે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું સીધું પ્રસારણ આસ્થા ટીવીના માધ્યમથી સમગ્ર યુરોપમાં કરાયું હતું. રામ કથાનો પવિત્ર ઉદ્દેશ વ્રજભૂમિ ગોવર્ધન (ભારત)માં પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજી દ્વારા સંચાલિત સમર્પણ ગૌશાળા માટે સહયોગ એકત્ર કરવાનો હતો, જેમાં માત્ર લંડન નહિ પરંતુ, સમગ્ર યુકેના ભક્તોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
કથાનું આયોજન કરનાર ભારત વેલ્ફેર ટ્રસ્ટ ગરીબો અને અબોલ જીવો માટે સેવા કાર્યો કરતી ભારતભરની ૧૮૦ ચેરીટી સંસ્થાઅો માટે યુકેમાંથી દાન મોકલે છે. ભારત વેલ્ફેર ટ્રસ્ટ યુકેમાં ચેરીટી રજીસ્ટર્ડ સંસ્થા છે તેની સ્થાપના ૧૮ વર્ષ પૂર્વે કરાઇ હતી.
પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીએ રામકથામાં જણાવ્યું હતું કે 'મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ માત્ર ભારત કે હિન્દુઓના જ નહિ, સંપૂર્ણ વિશ્વ અને માનવજાતના મહાનાયક છે. તેમના ગુણોનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. આદર્શ પુત્ર, પિતા, ભાઈ, મિત્ર, રાજાના તમામ ગુણ તેમનામાં વિદ્યમાન હતા. સમગ્ર વિશ્વ આજે આતંકવાદ, હિંસા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે શ્રી રામના આદર્શો પર ચાલવા થકી જ સમાજ અને વિશ્વ સુખી થઈ શકે તેમ છે. આજે આપણને શાંતિ, સદ્ભાવ અને આનંદની આવશ્યકતા છે, જે કેવળ ધર્મ અને અધ્યાત્મના માર્ગે ચાલવાથી જ પ્રાપ્ત થઈ શકશે. રામ કથા આપણને ત્યાગ, સમર્પણ, અનુશાસન અને સહભાગી જીવનશૈલી શીખવે છે. સનાતન ધર્મ અને હિન્દુત્વ માત્ર આપણે જ સુખી થઈએ તેવી કામના કરતા નથી પરંતુ સમગ્ર સંસારના સુખી થવાની કામના કરે છે. રામ કથા આપણા જીવન અને ધનનો ઉપયોગ સમાજ, ગૌમાતા, પીડિતો અને રાષ્ટ્રની સેવામાં કરવાની શીખ આપે છે.'
ઠાકુરજીએ કહ્યું કે 'ભારતની ઓળખ ગૌ, ગંગા અને ગીતાના કારણે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવાય છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામના અવતાર પણ ગૌમાતાની રક્ષા માટે થયા છે. ગાયમાતામાં અસંખ્ય દૈવી ગુણ વિદ્યમાન છે, તેના મૂત્ર અને છાણનો ઉપયોગ પણ ઔષધિની બનાવટમાં થાય છે. આજે ગાયના રક્ષણની તાતી જરૂરિયાત છે. સમર્પણ ગૌશાળા ગોવર્ધનમાં ગત આઠ વર્ષથી વૃદ્ધ, બીમાર, અશક્ત અને દૂધ આપી ન શકનારી સેંકડો ગાયની સેવા અને પાલન કરવામાં આવે છે. સમર્પણ ગૌશાળા સંચાલિત એમ્બ્યુલન્સ દ્વારા અન્ય ગૌશાળામાં પણ ગૌમાતાની નિઃશુલ્ક સારવારની સેવા અપાય છે. ઘણા યુકેનિવાસીઓ દ્વારા ગાયોને દત્તક લેવામાં આવી છે.' તેમણે ભારત વેલ્ફેર ટ્રસ્ટ લેસ્ટરનો વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે 'યુકેનિવાસીઓ દ્વારા અપાતા દાનને સમર્પણ ગૌશાળા સુધી પહોંચાડવાનું કાર્ય આ ટ્રસ્ટ કરે છે.'
રામ કથામાં ગરબાનું પણ દૈનિક આયોજન કરાતું હતું, જેનો આનંદ ભક્તોએ માણ્યો હતો. ૧૫ એપ્રિલ રામનવમીના દિવસે ભક્તોએ રામજન્મના પ્રસંગનો અદ્ભૂત આનંદ મેળવ્યો હતો. ૧૬ એપ્રિલે પૂજ્ય રામ બાપાના સાંનિધ્યમાં અને સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થયું હતું.
ઠાકુરજી દ્વારા યુકેની ઘણી સંસ્થાઓને 'સનાતન ધર્મ ગૌરક્ષા એવોર્ડ' આપવામાં આવ્યા હતા. બીજી તરફ, યુનિવર્સલ પીસ ફાઉન્ડેશન દ્વારા ઠાકુરજીને 'એમ્બેસેડર ઓફ પીસ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
ઠાકુરજીએ રામ કથાના મીડિયા પાર્ટનર 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' તેમજ નાગરેચા હોલના સંચાલકો સર્વશ્રી હસુભાઇ નાગરેચા, વિનુભાઇ નાગરેચા, ઉમીબેન નાગરેચાનો કથા માટેનો હોલ મફત આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભારત વેલ્ફેર ટ્રસ્ટ-લંડનના પ્રમુખ શ્રી રમણીકભાઇ યાદવ અને વર્ષાબેન યાદવ, સ્થાનિક વોલંટીયર્સ, હિન્દુ મંદિર લેસ્ટરના સ્વયંસેવકો, બ્રહ્મસમાજ, હિન્દુ કાઉન્સિલ યુકેનો પણ આભાર માન્યો હતો.
ભારત વેલ્ફેર ટ્રસ્ટને અપાયેલું દાન ૧૦૦ ટકા સમર્પણ ગૌશાળાને મળે છે. તમામ ગૌમાતા માટે એક દિવસની સેવાર્થે £31, ગૌમાતાની તબીબી સહાયાર્થે £51, એક વર્ષ માટે ગાયમાતાને દત્તક લેવા માટે £125 તેમજ આજીવન દત્તક લેવા માટે £1001નું દાન આપી શકાય છે. વધુ માહિતી અને દાન માટે સંપર્ક: ભારત વેલફેર ટ્રસ્ટ 55, Loughborough Road, Leicester, LE4 5LJ Email : [email protected] Tel. : (0116) 216 1684 / 216 1698.