લંડનઃ કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની અગાધ શક્તિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે ‘હિંદુ ધર્મ અને વેદ અન્ય શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે. આજે આખું વિજ્ઞાન એક પરિમાણથી આગળ વધી શકતું નથી પણ આપણા ઋષિ મુનિઓ મનના માધ્યમથી તેના કરતાં પણ આગળ પહોંચી ગયા છે. આપણા વેદોએ કહ્યું છે કે મન પ્રકાશ કરતાં પણ ઝડપી છે. મન સક્રિય છે અને સક્રિયતા એ આત્મા દ્વારા પ્રદાન કરાયેલી ચેતનાને કારણે છે, જે પ્રજ્ઞા નામના દિવ્ય પ્રકાશથી ભરેલી છે. આપણા શાસ્ત્રો આપણો મહાન વારસો છે, જે વિશ્વના અન્ય કોઈ પણ ધર્મો પાસે નથી. આથી જ આપણે ગર્વથી કહીએ છીએ - હમ હિન્દુ હૈ.’
વિદ્યાવાચસ્પતિ સ્વામીશ્રીએ કહ્યું હતું, ‘જો તમારે ભગવાનને કોઈ વસ્તુ અર્પણ કરવી હોય તો તમારે તે વસ્તુ વિશે જાણવું જોઈએ. ચાલો આપણે પાત્રો, ગુણો અને મનના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા શાસ્ત્રો અનુસાર, એવું કહેવાય છે કે મન એ સંકલ્પ અને વિકલ્પનું પ્રતિબિંબ છે.’
ગુરુકુલ પરિવાર અને સ્વામિનારાયણ ગુરુકુલ - અમદાવાદના વડા સ્વામી માધવપ્રિયદાસજીએ કહ્યું હતું, ‘પુસ્તક શું છે? વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પુસ્તક અણુઓથી બનેલું છે. આ સમગ્ર વિશ્વ અને તમામ પદાર્થો અણુઓથી બનેલા છે. તમે અણુને જોઈ શકો છો? તમે માઇક્રોસ્કોપ વડે અણુઓ અને ફોટોન જોઈ શકો છો. એક પ્રયોગ ચાલી રહ્યો છે - હિગ્સ બોસોન. તેઓએ આને નામ આપ્યું છે - ગોડ પાર્ટિકલ. કેવો મૂર્ખ પ્રયાસ છે. જો ત્યાં ભગવાન છે તો ત્યાં કોઈ કણો ન હોવા જોઈએ, અને જો ત્યાં કોઇ કણો છે, તો ત્યાં કોઈ ભગવાન ન હોવા જોઈએ.’
તેમણે કહ્યું કે ‘જેમ જેમ વસ્તુઓ સુક્ષ્મ બની રહી છે તેમ તેમ આપણે તેને નરી આંખે જોઇ શકતા નથી. આપણે હવા જોઈ શકતા નથી પરંતુ તેને અનુભવી શકાય છે. તેવી જ રીતે, વસ્તુઓ સુક્ષ્મ સ્તરે જાય છે ત્યારે આપણે ફક્ત તેને અનુભવી શકીએ છીએ. આખું વિજ્ઞાન ક્વોન્ટમ પર અટવાયેલું છે પણ મન તેનાથી એક ડગલું આગળ છે. તે વધુ સુક્ષ્મતાનો અનુભવ કરી શકે છે.’
‘સૌથી પહેલા ચેતનવંતા આત્માના કિરણો મનને સ્પર્શે છે, પછી મન સક્રિય બને છે. આ સાથે જ દિમાગમાં છુપાયેલા તમામ પાત્રો પણ બહાર આવે છે અને તે જ સમસ્યા છે. આપણે સમજવું જોઈએ કે આત્માનો પ્રકાશ ખૂબ જ શુદ્ધ છે. કોઈ માયા નથી, કોઈ દોષ નથી. જો તમારે પવિત્રતાની અનુભૂતિ કરવી હોય તો તમારા મનમાં રહેલા અવરોધોને દૂર કરો.’ એમ સ્વામીશ્રીએ કહ્યું હતું.
માધવપ્રિયદાસજીએ કહ્યું, ‘આપણું મન ક્યારેક ભટકી ગયું હોય છે અને આપણે આપણી આંખોથી જોતાં હોવા છતાં તેને અનુભવી શકતા નથી. બીજી તરફ, જ્યારે મન એકાગ્ર થાય છે ત્યારે તે લેસર બીમ જેવું બની જાય છે. ‘માયા’ના મિસાઈલો આવવા દો, જો તમારું મન મજબૂત અને એકાગ્ર હશે તો તમે તે મિસાઈલોનો સફાયો કરી શકો છો. જો તમારું મન ભગવાનની ભક્તિમાં લીન હશે તો તે રચનાત્મક હશે, પરંતુ જો તે અન્ય જગ્યાએ કેન્દ્રિત હશે તો તે વિનાશક બની જશે. માયાના ત્રણ પ્રકાર છે - સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.’
સ્વામીશ્રીએ કહ્યું હતું કે સમય બહુ મૂલ્યવાન છે તો ચાલો તેનો યોગ્ય ઉપયોગ કરીએ. અધ્યાત્મના માર્ગે ચાલવાથી સાચી સફળતા પ્રાપ્ત થશે. આપણે જ્યારે ઓમકાર કરીએ છીએ, ત્યારે આપણે પગના અંગૂઠાથી માથા સુધી તેની અનુભૂતિ કરવી જોઈએ. આપણે જ્યારે નમસ્કાર કરીએ ત્યારે આપણે આપણું મન ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરણોમાં કેન્દ્રીત કરવું જોઈએ. આપણે જયઘોષ કરીએ ત્યારે કલ્પના કરો કે ભગવાન મને આશીર્વાદ આપી રહ્યા છે.’
SKLPC ખાતે સેમિનાર અને શ્રી ભાગવત કથા
પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી 29 મેથી 30 જુલાઇ સુધી વિચરણ માટે યુકે પધાર્યા છે. 14 થી 18 જૂન દરમિયાન હિંદુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને શ્રી ભાગવત કથા SKLPC (વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ) ખાતે યોજાયા છે. તારીખ અને સમય આ મુજબ છેઃ • 14 અને 15 જૂન - સાંજે 6.00થી 9.00 • 16 જૂન - સાંજે 6.00 થી 9.00 (રાત્રે 9.00થી 10.00 ભજન સંધ્યા) • 17 જૂન - સવારે 9.00 થી રાત્રે 9.00 (સાંજે 7.30 ભાઇઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ) • 18 જૂન - સવારે 9.00 થી રાત્રે 9.00 (સવારે 9.00 સમુહ મહાપૂજા, બપોરે 1.00 કલાકે બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ)