લંડનઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામીએ યુએસએના રોબિન્સવિલેમાં છઠ્ઠી સપ્ટેમ્બરે અને તે પછી લંડનમાં ૨૫ સપ્ટેમ્બરે ‘An Introduction to Swaminarayan Hindu Theology’ પુસ્તકનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ (CUP) દ્વારા પ્રસિદ્ધ ૩૫૦ પાનના આ પુસ્તકના લેખક પરમતત્વદાસ સ્વામી છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દીક્ષિત સ્વામીએ પુસ્તકમાં ભગવાન સ્વામીનારાયણના ઉપદેશો, ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્રો પર ટીપ્પણીઓ સહિતના ખજાનાની રજૂઆત કરી છે.
ભારત અને પશ્ચિમના વિદ્વાનો અને સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા આ પુસ્તકને હિન્દુ ધર્મશાસ્ત્રના ઉત્તમ ઉદાહરણ કરીકે વધાવી લેવાયું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સિસ એક્સ ક્લૂની SJ, યુએસએની વાબાશ કોલેજના નામાંકિત પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ રિસર્ચ ફેલો ગેવિન ફ્લડ FBA, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર દિવાકર આચાર્ય, યુએસએની સેઈન્ટ ઓલેફ કોલેજના પ્રોફેસર અનંતાનંદ રામબચન, કેમ્બ્રિજ યુનિવર્સિટીના લેક્ચરર અંકુર બરુઆ, યુએસએની ઉટાહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તા સહિત ધર્મશાસ્ત્ર અભ્યાસુઓએ આ પુસ્તકને આધુનિક હિન્દુ ધર્મની પરંપરાઓની વિશિષ્ટ સમજ આપતું પુસ્તક ગણાવ્યું હતું. પરમતત્વદાસ સ્વામી તેમના વર્ષોનો સાધુત્વનો અનુભવ, પરંપરાગત હિન્દુ જીવનપદ્ધતિ તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિના અભ્યાસનો નિચોડ આ પુસ્તકમાં આપ્યો છે.
પુસ્તકના લોકાર્પણમાં અમેરિકન અને બ્રિટિશ એકેડેમીના મહાનુભાવો તેમજ CUP ના સીનિયર ગ્લોબલ માર્કેટિંગ મેનેજર માઈકલ ડંકન ઉપસ્થિત રહ્યા હતા.