મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પોતાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થયું તેની ઊજવણી કરવા અને ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પ્રસંગની ઉજવણી કરવા તા. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોનું સુંદર નૃત્ય તથા ૧૭ જેટલી બહેનોએ ભારતીય વેશભૂષામાં સજ્જ થઇ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફેશન શો કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે કન્વીનર સુધા કપાસીએ જણાવ્યું હતું કે 'આ દિવસની સાર્થકતા ત્યારે જ કહેવાય કે જ્યારે સારાય વિશ્વમાં શાંતિ પ્રસરે. જ્યારે એક સૈનિક કે એક નાગરિક યુદ્ધમાં સીમા પર મૃત્યુ પામે છે ત્યારે સાથે સાથે એક મા પણ મૃત્યુ પામે છે. જગતમાં સ્ત્રીઓ ઉપર બળાત્કાર, ઘરમાં મારકૂટ, નોકરીમાં ભેદભાવ આ બધું દૂર થાય ત્યારે જ નારીનો સત્કાર કર્યો કહેવાય.'
કાર્યક્રમમાં પાઠશાળાના બાળકોએ નવકાર મંત્ર પણ સુંદર રીતે રજૂ કરેલ. આ પ્રસંગે બ્રેન્ટના મેયરશ્રી, હેરોના આલ્ડરમેન, સ્થાનિક એમ.પી. બોબ બ્લેકમેન, ગુજરાત સમાચાર શ્રી સી.બી. પટેલ, કોકિલાબહેન પટેલ, જ્યોત્સનાબહેન શાહ, હાર્દિક શાહ અને અન્ય મહેમાનોમાં સરિતા સબરવાલ, અલકા શાહ, નવિનભાઈ શાહ, રેખાબહેન શાહ, મનજી કારા, વીણા મઠાણી, સચિન શાહ, કેતન શેઠ, ઉમા કુમારન વગેરે ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં સુધા કપાસી, ઊર્વી શાહ, રાધા વોરા, ફાલ્ગુની શાહ, ખુશ્બુ પરીખ, દીશા સંઘવી તથા આવીશા શાહની ઘણી જ મહેનત હતી.