લંડનઃ ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના કારણો અને અર્થ અંગે પણ સરસ જાણકારી આપી હતી. આપણી અનમોલ સંસ્કાર-સંસ્કૃતિનું સિંચન ચાલુ રહે અને કુમળા બાળમાનસ પર આપણા ધર્મ - પરંપરા અને રીતરિવાજોનો હકારાત્મક રીતે પ્રભાવ પડે એ ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ તમામ બાળકો માટે આ એક અનોખો અનુભવ બની રહ્યો હતો. સંસ્થાના હોદ્દેદારોના માર્ગદર્શન અને શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ, વાલીઓ અને સંસ્થાના શુભેચ્છકો-સમર્થકોના સાથ-સહકારથી યોજાયેલો આ કાર્યક્રમ સહુ કોઇ માટે યાદગાર બની રહ્યો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રંગોળી વર્કશોપ યોજાયો હતો. સંસ્થા દ્વારા 1983થી દર વર્ષે રંગોળી હરીફાઈ યોજાય છે. આ હરીફાઇમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આકર્ષક રંગોળી કેવી રીતે તૈયાર કરવી, રંગપુરવણી કેવી રીતે કરવી તે અંગે ચંપાબહેન છીતુભાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પછી 20 ઓક્ટોબરે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. સ્પર્ધકોએ તૈયાર કરેલી અતિ સુંદર રંગોળીઓ નિહાળીને દર્શકો પણ એકદમ ખુશ થઈ ગયા હતાં અને તેઓની કળાને બિરદાવી હતી.
આ ઉપરાંત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા ગુજરાતી શાળાના બાળકો માટે નવરાત્રિ પ્રસંગે રાસગરબાનું પણ આયોજન કરાયું હતું, જેમાં સહુ ઉત્સાભેર જોડાયા હતા અને આદ્યશક્તિની આરાધના કરી હતી. (અહેવાલઃ રેખા લલિત શાહ)