લંડનઃ કેબીસી આર્ટ્સ દ્વારા રવિવાર 19 મેએ લંડનના મહાલક્ષ્મી મંદિરના ઓડિટોરિયમમાં 20 સદીના સંગીતકાર/ ગીતલેખક પદ્મભૂષણ માયસોર વાસુદેવાચાર (1865-1961)ના જીવન-કવનને ઉજવવા ક્લાસિકલ મ્યુઝિકના ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વાસુદેવાચારે મુખ્યત્વે સંસ્કૃત અને તેલુગુમાં 200થી વધુ ગીતો લખ્યા હતા. તેમની મોટા ભાગની રચના ભગવાન રામની ભક્તિ વિશે હતી.
કેબીસી આર્ટ્સ દ્વારા આ 15મો ઈવેન્ટ હતો. સંસ્થાએ અગાઉ અન્નામાચાર્ય, રામદાસા, એમ.એસ. સુબ્બાલક્ષ્મી, બાલામુરલીકૃષ્ણા, નારાયણા તીર્થ, પુરંદરદાસ, પાપનાશમ સિવાન, સ્વાતિ તિરુનલ, ઉથુકાડુ કવિ, સુબ્રમન્યા ભારતી, મીરાબાઈ, બાલાજિમ ભાજે હુમ, તુલસીદાસ/રામદાસ/સુરદાસ અને મુથીયાહ ભગવાતાર સહિતના કવિઓ અને કમ્પોઝર્સને શ્રદ્ધાંજલિ અર્પતા કાર્યક્રમો યોજેલા છે.
સુશ્રી જયશ્રી વરદરાજનના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. વાસુદેવાચારની રચનાઓ પર ગીતો અને નૃત્યો ઉપરાંત, તેમની જીવનયાત્રા વિશે એન્કર માહાથી શ્રીનાથે માહિતી રજૂ કરી હતી. 50 કળાકારો દ્વારા કુલ 15 આઈટમ્સની રજૂઆત કરાઈ હતી. દેવાનંદા બિબિરાજ, અનન્યા શ્રીરામ, લિયા એરાથના વિદ્યાર્થીઓ, જેયાવેર્ની જગન્નાથન (પોનસિતા સ્કૂલ ઓફ ડાન્સ), શ્રુતિ શ્રીરામ (સંસ્કૃતિયુકે) દ્વારા મંત્રમુગ્ધ કરનારાં નૃત્યો રજૂ કરાયાં હતાં. ધ્રિતિ, માહાથી શ્રીનાથ, આશ્રિતા દેવરાકોન્ડા, શ્રુતિ શ્રીરામના વિદ્યાર્થીઓ, દિવ્યા કસ્તુરીના કંઠ્યસંગીતે મન મોહી લીધું હતું. વાયોલીન પર એઈન્કારન સિવાજી અને વીણા પર પ્રમોદ રુદ્રપ્રતાપ પ્રસન્ના કુમારે તેમજ મૃદંગમ પર વિજેયરાજાહ મિલ્વાગાનમે ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યું હતું.