લંડનઃ યુકેમાં સૌથી મોટુ ઈસ્લામિક કન્વેન્શન યોજાઈ રહ્યું છે તે અગાઉ મુસ્લિમ નેતાઓએ લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર હુમલો કરનારા આતંકવાદીઓની કડક નિંદા કરી છે. હેમ્પશાયરમાં ‘જલસા સાલાના’ તરીકે ઓળખાતું ત્રિદિવસીય સંમેલન ૨૮થી ૩૦ જુલાઈ વચ્ચે યોજાઈ રહ્યું છે. ૧૦૦ દેશમાંથી ૩૦,૦૦૦ મુસ્લિમ પ્રતિનિધિ આ અધિવેશનમાં હાજરી આપશે.
હેમ્પશાયરમાં ૨૦૦ એકરના ફાર્મમાં અધિવેશન યોજાશે, જેમાં ખલીફના હાથનો સ્પર્શ કરવા ભાવિકો માનવસાંકળ બનાવશે. આ અધિવેશનના આયોજક અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના વડા ખલીફ હજરત મિર્ઝા મસરુર અહમદે લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર પર હુમલો કરનારા ત્રાસવાદીઓને વખોડી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાલિદ મસૂદ, ખુર્રમ બટ, રશિદ રેડાઉને અને યુસુફ ઝાગબાને ‘ઈસ્લામનું સાચુ જ્ઞાન ન હતું.’ ખલીફે કહ્યું હતું કે,‘તાજેતરમાં ત્રાસવાદી સંગઠનોએ નિયમિતપણે પશ્ચિમના દેશોમાં નિર્દોષ લોકોના જાન લઈને સૌથી જંગલી અત્યાચારો આચરવાનું શરુ કર્યું છે. ત્રાસવાદીઓને ઈસ્લામનું જ્ઞાન નથી અન્યથા ઈસ્લામના પવિત્ર પયગમ્બરે કોઈ પણ પરિસ્થિતિમાં અને યુદ્ધમાં પણ નિર્દોષ લોકોની હત્યાની મનાઈ ફરમાવી હોવાની તેમને જાણ હોત.’
માર્ચ મહિનામાં ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટરની બહાર પોલીસ અધિકારી કિથ પાલ્મરની હત્યા કરવા અગાઉ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર સંખ્યાબંધ રાહદારીઓને કચડી નાખ્યા હતા. જૂન મહિનામાં બટ, રેડાઉને અને ઝાગબાએ બરો માર્કેટમાં ચાકુના હુમલાઓ કર્યા પહેલા શનિવારની રાતે લંડન બ્રિજ પર ફરનારાને કચડી નાખ્યા હતા. આ બન્ને હુમલામાં ૧૩ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા હતા અને ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી હતી.