લંડનઃ જાહેર જનતા માટે લંડનના મેયરની સત્તાવાર દીવાળી ઉજવણીમાં યુકેના ઈતિહાસમાં રવિવાર 29 ઓક્ટોબરે સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત શ્વેત અને લાલ રંગોની સાડી ધારણ કરેલી સ્ત્રીઓએ ‘સિંદૂર ખેલા’ નું આયોજન કર્યું હતું. બંગાળમાં હિન્દુ પરંપરા સિંદૂર ખેલા અનુસાર દુર્ગા પૂજાના આખરી દિવસ વિજયા દશમીએ સ્ત્રીઓ એકબીજાને સિંદૂર લગાવે છે. આ સાથે મા દુર્ગાના પરંપરાગત સ્વાગતના ઉપયોગમાં લેવાતી પાન, હાથપંખા, મીઠાઈઓ સહિતની વસ્તુઓનું આદાનપ્રદાન કરવામાં આવે છે.
લંડન અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઠંડા અને વરસાદી વાતાવરણમાં પણ લોકોનો ઉત્સાહ ભીંજાયો ન હતો. ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ઘણા લોકોએ બોલિવૂડના ‘ડોલા રે’ અને ‘ડુગ્ગા એલો’ સહિતના ગાયનો પર જોરદાર નૃત્યો કર્યા હતા જેને હજારો દર્શકોએ વધાવી લીધા હતા. આ નૃત્યોની કોરિયોગ્રાફી સેન્જુતિ દાસે કરી હતી જ્યારે દિપ્તી જૈને લોકોને બંગાળની સંસ્કૃતિનું દર્શન કરાવવા 100થી વધુ યુવતીઓને નૃત્યોમાં સામેલ કરી હતી.
‘સિંદૂર ખેલા’માં ઉપસ્થિત રહેનારી મૌમિતા હાજરાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ આ ભારે રોમાંચક અને સંસ્કૃતિનું સમૃદ્ધ પ્રદર્શન બની રહ્યું હતું. અમે ભારતીય બંગાળીઓ માતા દુર્ગાની પુજા અને ઉજવણી કરીએ છીએ અને તેઓ સ્વર્ગ પરત થાય છે ત્યારે વિદાય આપીએ છીએ તેનું આ પ્રદર્શન હતું. ‘સિંદૂર ખેલા’માં ભાગ લેનારી તમામ સ્ત્રીઓએ પરંપરાગત શ્વેત અને લાલ રંગની સાડીઓ પહેરી હતી. અમે એકબીજાને સિંદૂર લગાવતાં હતાં અને મીઠાઈ ખવડાવતાં હતાં.’
દિપ્તી જૈને જણાવ્યું હતું કે,‘આ અભૂતપૂર્વ અને ભારે સફળ ઈવેન્ટ હતો. દર્શકો પણ ‘સિંદૂર ખેલા’માં ભાગ લેવા અમારી પાસે આવ્યા હતા. વાસ્તવમાં ઘણા લોકો તો બંગાળી પણ ન હતા. આવી આધ્યાત્મિક વિધિના તેમના અનુભવની કલ્પના કરી જુઓ!’ સાડીઓ અને હાથબનાવટની વસ્તુઓ બંગાળના ગ્રામીણ કારીગરો પાસેથી મેળવાઈ હતી અને બ્રિટનની ધરતી પર બંગાળની હસ્તકળાને પ્રદર્શિત કરાઈ હતી.