લંડનઃ ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે હિંદુ કોમ્યુનિટીના કેટલાંક સભ્યો અને પેટ્રન્સને મળ્યા હતા. તેમણે ઈસ્કોન અને SHYAM, સિટી હિંદુ નેટવર્ક (CHN), નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF), હિંદુ મેટર્સ ઈન બ્રિટન અને ઓપરેશન ધાર્મિક વોટ સહિત અગ્રણી હિંદુ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. લંડનના મેયરપદની ચૂંટણી મે ૨૦૨૦માં યોજાઈ રહી છે.
મુખ્યત્વે વંશીય ભાષા સ્કૂલોનું સંચાલન, ધાર્મિક પૂર્વગ્રહ અને ખાસ કરીને મંદિરો તેમજ મકાનોમાં સોનાના ઘરેણાંની ચોરીના વધી ગયેલા બનાવોના સંજોગોમાં સુરક્ષાની ચિંતા વિશે ચર્ચા કરાઈ હતી. કેટલાંક અગ્રણીઓએ હિંદુફોબિયામાં થયેલા વધારા અને તેની કોમ્યુનિટી સંવાદિતા અને એકતા પર થતી અસર વિશે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.
આગામી ચૂંટણીમાં કોમ્યુનિટીના ‘હિંદુ વોટ’ મેળવવાના પ્રયાસમાં પૂર્વ ટોરી બળવાખોર સ્ટુઅર્ટે ઓપરેશન લોકલ દ્વારા લંડનમાં ગુના સામેની લડાઈમાં પોતાનું સમર્થન આપવાનું વચન આપ્યું હતું. આ યોજનામાં વોર્ડ દીઠ યુનિફોર્મ્ડ પોલીસ ઓફિસર્સની સંખ્યા વધારવી, ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન તથા કોમ્યુનિટી પોલીસીંગ પ્રત્યેના અભિગમને વધુ સંકલિત બનાવવાની બાબતે સમર્થનને વિશેષ મહત્ત્વ આપવાનો સમાવેશ થાય છે. તેમણે સ્પેશિયલ કોન્સ્ટેબલની સંખ્યા ત્રણગણી કરવા તેમજ મહત્તમ ઓફિસર્સ સંબંધિત કોમ્યુનિટીમાંથી આવે તેનું પણ વચન આપ્યું હતું.
હિંદુ સમાજને રીઝવવાના પગલાંમાં સ્ટુઅર્ટે પ્રાદેશિક ધાર્મિક પરંપરાઓ અને ભાષાને જાળવી રાખવાના મહત્ત્વ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે સંસ્કૃત, હિંદી, ગુજરાતી, પંજાબી, તમિળ, તેલુગુ, બંગાળી સહિત અન્ય ભાષાઓ શીખવવા વંશીય ભાષાકેન્દ્રો સ્થાપવા અને જાળવી રાખવા માટે મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. તેમનું માનવું છે કે આ ભાષાઓની જાણકારી દુનિયાના વિવિધ પ્રદેશોના લોકો સાથે સંપર્ક સાધી શકવાની લંડનવાસીઓની ક્ષમતાને વધારવામાં મદદરુપ બનશે.
અંતે તેમણે હિંદુ કોમ્યુનિટી માટે પૂરતા ક્રિમેશન ગ્રાઉન્ડ (સ્મશાનગૃહ) ન હોવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. પોતે મેયર તરીકે ચૂંટાશે તો આ પરિસ્થિતિ સુધારવાની તેમણે ખાતરી આપી હતી.