મોરારિ બાપુની રામ કથા કેમ્બ્રિજની જિસસ કોલેજમાં યોજાશે

લોર્ડ ડોલર પોપટ અને પરિવારના યજમાનપદે વિશેષ આયોજન

Tuesday 08th August 2023 01:21 EDT
 
 

લંડનઃ પ્રખ્યાત આધ્યાત્મિક કથાકાર અને ઉપદેશક પૂજ્ય મોરારિ બાપુની રામ કથાનું આયોજન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે શનિવાર 12 ઓગસ્ટથી રવિવાર 20 ઓગસ્ટ 2023ના દિવસોમાં કરવામાં આવ્યું છે. લોર્ડ ડોલર પોપટ અને પરિવારના યજમાનપદે આયોજિત વિશેષ રામ કથાનો સમય પ્રથમ દિવસે (શનિવાર 12 ઓગસ્ટ) બપોરના 4.00થી સાંજના 7.00 વાગ્યા સુધીનો રહેશે જ્યારે બાકીના તમામ દિવસોએ આ સમય સવારના 10.00 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધીનો રહેશે.

આ રામ કથા ભારતીય અને ઈંગ્લિશ સભ્યતાઓ વચ્ચે દીર્ઘકાલીન સંબંધોની ઉજવણી સમાન બની રહેશે. કેમ્બ્રિજ પ્રેરણાદાયી શહેર છે જે ઈતિહાસ, સંસ્કૃતિ અને વિશ્વમાં પરિવર્તન લાવનારી શોધખોળોની સમૃદ્ધિ ધરાવે છે. વિશ્વની ત્રીજા ક્રમની સૌથી પ્રાચીન યુનિવર્સિટી- ધ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજનું આ સ્થળ છે અને વિશ્વના અન્ય કોઈ પણ શહેર કરતાં વધુ નોબેલ પ્રાઈઝ વિજેતા આ શહેરના છે.

રામ કથા તમામ લોકો માટે વહેલા તે પહેલાના ધોરણે ખુલ્લી રહેશે. રોજ કથાના સમાપન પછી પ્રસાદનું વિતરણ કરાશે. કથાસ્થળની મર્યાદાના કારણે ક્ષમતા પર નિયંત્રણો હોવાથી આગોતરું રજિસ્ટ્રેશન કરાવી લેવું હિતાવહ ગણાશે.

પૂજ્ય મોરારિ બાપુ રામચરિત માનસનું વિશિષ્ટ અર્થઘટન કરનારા કથાકાર છે જેમણે ગત 60 વર્ષમાં 900થી વધુ રામ કથાના પાઠ કર્યા છે. બાપુનો હાર્દરૂપ ઉપદેશ સત્ય-પ્રેમ અને કરૂણાનો રહ્યો છે અને સનાતન ધર્મના પવિત્ર ગ્રંથો વિશે જાગરૂકતાને પ્રોત્સાહન આપવાનો છે. મોરારિ બાપુએ વેટિકન, જેરુસાલેમના પ્રચીન નગર, હિમાલય તેમજ વેમ્બલીના SSE એરિના સહિત સમગ્ર વિશ્વમાં અનેક સ્થળોએ રામ કથા કરી છે.

તારીખ અને સમયઃ

12 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2023

શનિવાર 12 ઓગસ્ટે બપોરના 4.00થી શરૂ

રવિવાર 13 ઓગસ્ટથી રવિવાર 20 ઓગસ્ટઃ 10:00 AM – 1:30 PM

રામ કથાનું સ્થળઃ

જિસસ કોલેજ, જિસસ લેન, કેમ્બ્રિજ

CB5 8BL, United Kingdom


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter