લંડનઃ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ‘Tolerating the Intolerant’ કાર્યક્રમ માટે હિન્દુ રાષ્ટ્રવાદી તપન ઘોષને આમંત્રિત કરવા બદલ હેરો કાઉન્સિલે હેરો ઈસ્ટના ટોરી સાંસદ બોબ બ્લેકમેનની આકરી ટીકા કરી હતી. તપન ઘોષે અગાઉ મુસ્લિમોના જન્મદરને અંકુશમાં લાવવા યુનાઈટેડ નેશન્સને હાકલ કરી હોવાનું તેમજ બાંગલાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારની પ્રશંસા કરી હોવાનું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે ઘોષે બધા મુસ્લિમોનો ઉલ્લેખ ‘જિહાદીઓ’ તરીકે કરવા સાથે સમગ્ર યુરોપમાં ઈસ્લામ ફેલાઈ જશે તેવી ચેતવણી પણ આપી હતી.
ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓફ હિન્દુઝના અધ્યક્ષ બોબ બ્લેકમેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઉપખંડ તેમજ યુકેમાં પણ છોકરીઓનું ‘બળજબરીથી ધર્માન્તર’ કરાવાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું યુકે અને વિશ્વમાં હિન્દુઓને સંબંધિત મુદ્દાઓને ચર્ચતા કાર્યક્રમોનું પાર્લામેન્ટમાં આયોજન કરું છું. તાજેતરના વર્ષોમાં યુકેમાં તથા બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં હિન્દુ લઘુમતીઓને લલચાવવા અને બળપૂર્વક ધર્માન્તર કરવાનું વલણ વધી રહ્યું છે. ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરતા દેશ તરીકે લઘુમતીઓનો કચડાયેલો અવાજ સાંભળવો તે આપણી મહત્ત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે.’
હેરો કાઉન્સિલ સામે આકરા પ્રહાર કરતા સાંસદ બ્લેકમેને કહ્યું હતું કે, ‘જો લેબર કાઉન્સિલર્સ અને હેરોમાં તેમના સાથીઓએ રાજકારણમાં વીતાવેલા સમયનો અડધો હિસ્સો પણ નિવાસીઓને અસરકારક સેવા આપવામાં ગાળ્યો હોત તો મદદ માટે મારી પાસે આવતા લોકોમાં નાટ્યાત્મક ઘટાડો થઈ ગયો હોત. હું માનું છું કે ઓછામાં ઓછું એક કાઉન્સિલરે મારા વિરુદ્ધ ખોટાં અને ઉશ્કેરણીજનક નિવેદનો કર્યાં હશે. તેઓ અન્યો વિરુદ્ધ હુમલા કરે તે પહેલા તેમણે લેબર પાર્ટીમાં એન્ટિસિમેટિઝમ અને અસહિષ્ણુતા ફેલાઈ છે તેના તરફ ધ્યાન આપવાની જરુર છે.’
કાઉન્સિલની બેઠકમાં ચીફ એક્ઝિક્યુટિવે તપન ઘોષની મુલાકાતને વખોડતો અને યુકેમાં હેરો સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા સ્થળોમાં એક છે જ્યાં ઘૃણાકારી પ્રવચનો સહન કરી નહિ લેવાય તેમ દર્શાવતો પત્ર બોબ બ્લેકમેનને પાઠવવો જોઈએ તેવું સૂચન કરાયું હતું.
‘ગુજરાત સમાચાર અને ‘એશિયન વોઈસ’ દ્વારા અનેક મહાનુભાવોનાં અભિપ્રાય મેળવાયા હતા. લોર્ડ મેઘનાદ દેસાઈએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ‘બોબ બ્લેકમેન પોતાની સંભાળ લઈ શકે છે. આ વાણી સ્વાતંત્ર્ય છે.’
હેરો કાઉન્સિલના લીડર અને ક્વીન્સબરી વોર્ડના કાઉન્સિલર સચિન શાહે જણાવ્યું હતું કે, ‘હેરો કાઉન્સિલના લીડર તરીકે મને આપણા કોમ્યુનિટી સુમેળનું ગૌરવ છે. વિવિધ ધર્મના લોકો કોઈ તકલીફ વિના સાથે રહે છે. બોબ બ્લેકમેનને શરમ આવવી જોઈએ કે હેરોની કોમ્યુનિટીઓને વિભાજિત કરે તેવી વ્યક્તિને તેઓ પાર્લામેન્ટમાં લાવ્યા હતા. બધા રાજકારણીઓએ કોમ્યુનિટીઓના વિભાજન નહિ પરંતુ, સાથે લાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ. બોબ બ્લેકમેને હવે માફી માગી લેવી જોઈએ.’
હિન્દુ ફોરમ બ્રિટન (HFB)ના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓફ હિન્દુઝના અધ્યક્ષ તરીકે અને લંડન બરો ઓફ હેરોના રેઝોલ્યુશન સંબંધિત તેમના નિવેદન અંગે બોબ બ્લેકમેનને HFBનું સંપૂર્ણ સમર્થન છે. તેમણે પોતાના મતદારોના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે અને કાશ્મીરી પંડિતોને અન્યાય તેમજ યુકેમાં કાસ્ટ બિલ જેવા વિભાજક રાજકારણ સામે બોલ્યા છે.’
બ્રેન્ટ અને હેરો માટેના એસેમ્બલી મેમ્બર નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે, ‘ન્યાયી ટીકાઓથી દૂર ભાગવાનો મિ. બ્લેકમેનનો નબળો પ્રયાસ દુઃખજનક છે. હેટ પ્રીચર તપન ઘોષને પ્લેટફોર્મ કેવી રીતે અપાયું તેનો ખુલાસો કરવાની તક તેમણે ગુમાવી છે. પાર્લામેન્ટ અને હેરોની પ્રતિષ્ઠા ખરડવાના કાર્ય માટે માફી માગવાનો વિવેક પણ તેઓ ચૂક્યા છે. તેમને હેરોમાં તેમની વિભાજક અને સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ ચલાવવા દેવાઈ છે. મિ. બ્લેકમેન હેરોમાં આપણી વિવિધ કોમ્યુનિટીઓના મિત્ર નથી. મિ. બ્લેકમેનને વિદાય આપી હેરો ઈસ્ટની આપણી તમામ કોમ્યુનિટીઓ પ્રતિ સન્માનપૂર્ણ અને વાજબીપણું ધરાવતા હોય તેવા નવા પ્રતિનિધિ માટે સમય પાકી ગયો છે.’
સાંસદ થોમસ ગેરેથે ટીપ્પણીમાં જણાવ્યું છે કે ‘તપન ઘોષે બર્મામાં રોહિંગ્યા વિરુદ્ધ હિંસાને વખાણી છે અને મુસ્લિમોનો જન્મદર અંકુશમાં લાવવા યુએનને હાકલ કરી છે. ઘોષના મંતવ્યો સ્વીકારપાત્ર નથી. તેથી તેને વખોડવા જોઈએ.’