લંડનઃ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું હતું. એવોર્ડવિજેતા ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂર, અભિનેતા નીલ ભૂપાલમ અને ડાયરેક્ટર જેસલ શાહ સહિત ‘બેબી ક્રાસ્ટો’ ફિલ્મની ટીમ પ્રીમિયરમાં ખાસ ઉપસ્થિત રહી હતી. પ્રીમિયર પછી ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ આ ઈવેન્ટમાં મુખ્ય મહેમાનપદે હતા. હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ અને ટંગ્ઝ ઓફ ફાયરના સીઈઓ ડો. પુષ્પિંદર ચૌધરી MBEએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
‘બેબી ક્રાસ્ટો’ ફિલ્મની સંક્ષિપ્ત કહાણીઃ
નાનો જુગારી જાકો અને ગોવાની આસપાસ છૂટક ચોરી કરનારો વાસુ બ્લુબર્ડ શેકમાં એકબીજા સામે આવી જાય છે. પૂર્વ પત્ની મારીઆની શોધ ચલાવી રહેલા જાકો પાસે ગોવાનો સ્થાનિક માફિયા મોટી રકમ માગતો હોય છે, જાકોને તેમની પ્રોપર્ટી દસ્તાવેજો પર સહી કરાવવા મારીઆની જરૂર હોય છે. બીજી તરફ, વાસુને પણ અલ્ટિમેટમ આપનારી ગર્લફ્રેન્ડ સાથે પરણવા નાણાની જરૂર હોય છે.
બંનેને એક મોટેલમાં જાણકારી મળે છે કે મારીઆ તેની મકાનમાલિકણ બેબી ક્રાસ્ટોના 50 લાખ રૂપિયા લૂંટી નાસી ગઈ હોય છે અને ગોવાની પોલીસને તેની તલાશ છે. જોકે, સ્થાનિક લોકો મારીઆ ચોર હોવાનું માનતા નથી અને વિચિત્ર વૃદ્ધા બેબી ક્રાસ્ટો ખોટી રીતે મારીઆ સામે તહોમત લગાવે છે. જાકો અને વાસું ભેગા મળી બેબી ક્રાસ્ટોના કહેવાતા ખજાનાને શોધવાનું નક્કી કરી પેઈંગ ગેસ્ટ્સનો સ્વાંગ રચે છે. એકબીજા પ્રત્યે શંકાશીલ હોવા સાથે તેમને બેબી ક્રાસ્ટો ધૂની મગજની હોવાની જાણ થાય છે. બેબીની 60મી વર્ષગાંઠની પાર્ટીમાં હલ્લાબોલ થાય છે અને લાપતા મારીઆ અને નાણા વિશેના સિક્રેટ્સ બહાર આવે છે.
ટંગ્સ ઓન ફાયર, ગોલ્ડન ફ્લેમ એવોર્ડવિજેતાઓની યાદીઃ
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ -- કવિતા કૃષ્ણમૂર્તિ
• સેલિબ્રેટિંગ સસ્ટેનેબલ ફેશન-- રીના ઢાકા
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-- સબા આઝાદ (મિનિમમ)
• બેસ્ટ એક્ટર-- સુપ્રિયા પાઠક (બેબી ક્રાસ્ટો)
• બેસ્ટ એક્ટર-- અર્જુન માથુર (લોર્ડ કર્ઝન કી હવેલી)
• બેસ્ટ ફિલ્મ-- ગુંજાલ
• ફિલ્મવાલાઝ ચોઈસ એવોર્ડ-- 12વી ફેઈલ
• ઈમર્જિંગ ક્યુરેટર્સ ચોઈસ એવોર્ડ-- બ્લુ સનશાઈન
• બેસ્ટ શોર્ટ ફિલ્મ-- અ બોર્ડર બિટવીન અસ
• બેસ્ટ લોંગ શોર્ટ-- મેન ટુ મેન
• બેસ્ટ ડોક્યુમેન્ટરી-- બ્રાન્ડ બોલીવૂડ ડાઉન અંડર
• બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર-- રુમાના મોલ્લા (મિનિમમ)
• બેસ્ટ ડાયરેક્ટર-- અંશુમાન ઝા (લોર્ડ કર્ઝન કી હવેલી)
• બેસ્ટ લોંગ શોર્ટ્સ ડાયરેક્ટર-- અન્યા રઝા અને આઈશા લીનેઆ અખ્તર (હાઉ શી મૂવ્ઝ)
• સેલિબ્રેટિંગ ‘ક્લાઈમેટ ઓફ ચેઈન્જ’ થીમ-- પ્રિયા શક્તિ
• સેલિબ્રેટિંગ 50 યર્સ ઈન સિનેમા-- શબાના આઝમી