લંડનઃ ઈસ્ટર બેન્ક હોલીડેના વીકએન્ડના ગાળામાં યુકેસ્થિત BAPS ના 13 મંદિર અને કેન્દ્રો દ્વારા પડોશના વિસ્તારો (નેબરહૂડ્સ)માં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અભિયાન ‘ગ્રેટ બ્રિટિશ સ્પ્રિંગ ક્લીન’ અંતર્ગત યુકેના 13 BAPS સ્વામિનારાયણ મંદિરો અને કેન્દ્રોના 216 સ્વયંસેવકો તેમના સ્થાનિક નેબરહૂડ્સની શેરીઓમાં ઉતરી સફાઈકામ કરવા લાગ્યા હતા અને શેરીઓને નવું સ્વરૂપ આપ્યું હતું. ‘ગ્રેટ બ્રિટિશ સ્પ્રિંગ ક્લીન’ સૌથી મોટું રાષ્ટ્રીય સામૂહિક પર્યાવરણીય અભિયાન છે જેમાં દેશભરમાં હજારો બેગ્સમાં કચરો એકત્ર કરી વિસ્તારોને સ્વચ્છ બનાવાય છે.
BAPSના સ્વયંસેવકોએ દેશભરમાંથી 138 બેગ્સ કચરો એકત્ર કર્યો હતો અને પડોશના વિસ્તારોના પર્યાવરણને નવતર બનાવ્યું હતું. ઘણા સ્થાનીય પડોશ વિસ્તારોએ આ પ્રયાસો બદલ BAPSના વોલન્ટીઅર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. અગ્રણી સ્વતંત્ર પર્યાવરણીય ચેરિટી ‘કીપ બ્રિટન ટાઈડી’ દ્વારા આ વાર્ષિક ઈવેન્ટનું આયોજન કરાય છે. સંસ્થા દેશમાં દરેક ઘરના આંગણે પર્યાવરણનું મૂલ્ય સમજાય તે માટેના કાર્યો થકી લોકોને પ્રેરણા, જાગૃતિ અને શિક્ષણ આપે છે. ‘કીપ બ્રિટન ટાઈડી’ આ વર્ષે તેની 70મી વર્ષગાંઠ ઉજવી રહેલ છે.
BAPSના નેશનલ કોમ્યુનિટી આઉટરીચ વોલન્ટીઅર અંબરિષ લિંબાચીઆએ જણાવ્યું હતું કે,‘ BAPSના હિન્દુ અનુયાયીઓના વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને નિસ્ડન ટેમ્પલના પ્રેરક પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે પર્યાવરણના આદર અને સંભાળ રાખવા તથા સ્થાનિક કોમ્યુનિટીઓની સેવા કરવાનું શીખવે છે. આ અમૂલ્ય ઉદ્દેશ માટે આટલા બધા સ્વયંસેવકો એક સાથે આવી ગયા તે મંદિર અને પડોશના વિસ્તારો વચ્ચે સામુદાયિક ભાવનાનો પુરાવો છે. અમે પણ ગત 70 વર્ષના ગાળામાં આ પ્રચંડ કામગીરી કરવા બદલ કીપ બ્રિટન ટાઈડી ચેરિટીને અભિનંદન આપવા સાથે ભવિષ્યમાં તેમના કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં સહકાર આપવા ઉત્સુક છીએ.’
કીપ બ્રિટન ટાઈડી ઈનિશિયેટિવમાં ભાગ લેનારા BAPS ના મંદિરો અને કેન્દ્રોમાં નિસ્ડન ટેમ્પલ, બર્મિંગહામ મંદિર, ચિગવેલ મંદિર, કોવેન્ટ્રી મંદિર, લીડ્ઝ મંદિર, લેસ્ટર મંદિર, લફબરો મંદિર, લ્યૂટન મંદિર, માન્ચેસ્ટર મંદિર, પ્રેસ્ટન મંદિર, એડિનબરા, સાઉથ ઈસ્ટ લંડન અને વેસ્ટ લંડનનો સમાવેશ થયો હતો.